હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં નહીં જાય સરકાર, શિક્ષણમંત્રીએ કરી સ્પષ્ટતા

0
4

ફી અંગેના હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તેવો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, હાઇકોર્ટના ચૂકાદા બાદ અભ્યાસ કરાશે. હાઇકોર્ટ જે કોઇ માર્ગદર્શન આપશે તે પ્રમાણે સરકાર આગળ વધશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 13 એપ્રિલે શાળા સંચાલકો સાથે થયેલી સમજૂતી મુજબ ફી ભરવા માટે દબાણ ન કરવું, તે સમજૂતી હજુ યથાવત્ રહેશે.

 

વધુમાં મંત્રીએ કહ્યું કે, ફી સંદર્ભે થયેલી ત્રણ પીઆઈએલ સંદર્ભે નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને પોતાનો અભિપ્રાય રજુ કરવા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બે બાબતે અભિપ્રાય મંગાયો હતો, એક ઓનલાઈન શિક્ષણ અને બીજો હતો ફી. રાજ્ય સરકારે ઓલાઈન અંગે કરેલી કામગીરી ઉપરાંત કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અમલ…આ બધી વિગતો વિસ્તૃત રીતે હાઈકોર્ટમાં જણાવી હતી. ફી અંગે પણ અમે જીઆર કરીને અમારો અભિપ્રાય કોર્ટમાં રજુ કર્યો હતો.

શિક્ષણમંત્રીએ કહ્યું કે  કોર્ટે અમારો ફી અંગેનો જીઆર રદ કર્યો છે. પણ સાથે એમ પણ કહ્યું છે કે શાળામાં શિક્ષણકાર્ય ચાલુ જ રહેવું જોઈએ. નજીકના સમયમાં કોર્ટનો બાકી રહેલો વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ આ ચુકાદામાં આ અંગે કેવી રીતે આગળ વધવું તેની માર્ગદર્શિકા હશે. જે કઈ કોર્ટે કહ્યું હશે તેનું સંપૂર્ણપણે રાજ્ય સરકાર અમલ કરશે.