ગાંધીનગર : 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવનારને ગ્રામ પંચાયત રૂ.20 ઇનામ અપાશે

0
0

ગાંધીનગર: એક કિલો પ્લાસ્ટિક જમા કરાવનારે રૂપિયા 20નું પ્રોત્સાહક ઇનામ આપીને જુના કોબા અને નવા કોબા ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન કોબા ગ્રામપંચાયતે શરૂ કર્યું છે. ઉપરાંત પ્રદુષણને નાથવા માટે ગ્રામજનોને પણ પ્લાસ્ટિકની બેગને બદલે કપડાંની થેલીનો ઉપયોગ કરવા સરપંચે ગ્રામજનોને અપીલ કરી છે. પ્રદુષણથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે. તેમાંય પ્લાસ્ટિકથી થતાં પ્રદુષણથી ફળદ્રુપ જમીન તથા પાણીને પણ દુષિત કરે છે.

ઉપરાંત વર્ષો સુધી નાશ નહી થતાં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 2જી, ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે શરૂ કરાશે. ત્યારે પ્લાસ્ટિકના પ્રદુષણથી મારૂ ગામ મુક્ત થાય તે માટે જિલ્લાના અનેક ગામોના સરપંચોએ અનોખી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત જિલ્લાના કોબા ગ્રામ પંચાયત દ્વારા ગામને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવનાર છે. જેમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત એક કિલો પ્લાસ્ટિક ભેગું કરી ગ્રામ પંચાયતમાં જમા કરાવશે તેને રૂપિયા 20નું પ્રોત્સાહક ઇનામ તેમજ સન્માનપત્ર આપવાની સરપંચ યોગેશભાઇ નાયીએ જાહેરાત કરી છે.

પ્લાસ્ટિકના પ્રદુષણથી આપણી ભાવી પેઢીને નુકશાન કરવાને બદલે તેનો ઉપયોગ નહી કરવા સરપંચે ગ્રામજનોને અપીલ કરી છે. ઉપરાંત નાની મોટી વસ્તુની ખરીદી કે અન્ય કોઇપણ કામગીરી માટે કપડાંની થેલીનો ઉપયોગ કરવા સરપંચે ગ્રામજનોને અપીલ કરી છે. જમીનમાં દટાયેલું પ્લાસ્ટિક સો વર્ષ સુધી નાશ પામતું નથી તેમ કોબા ગામના સરપંચે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here