અમદાવાદ : મોબાઈલમાં પબજી અને લુડો ગેમ રમવાની આદત અને મોજશોખ માટે પૌત્રએ દાદી સાથે રૂ. 2.71 લાખની છેતરપીંડી કરી.

0
14

સાબરમતીમાં લુડો ગેમના શોખમાં તેમ જ મિત્રો સાથે હરવા-ફરવા-મોંઘાં કપડાં-મોંઘી બાઈક-મોબાઈલ વાપરવાના શોખ પોષવા માટે પૌત્રે દાદીના એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂ.2.71 લાખ ઉપાડી લીધા હતા. જો કે આ અંગે સાયબર ક્રાઈમમાં થયેલી ફરિયાદના આધારે પોલીસે બેંક એકાઉન્ટ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને આધારે પૌત્રને ઝડપી લીધો હતો.

સાબરમતીના નિમિષાબેન શાહના કોટક બેંકના એકાઉન્ટમાંથી સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થી રૂ.2.71 લાખ ઊપડી ગયા હતા. આ અંગે તેમણે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એમ.એચ.પુવારે તપાસ શરૂ કરી હતી. પોલીસે કોટક બેંક પાસેથી નિમિષાબેનના એકાઉન્ટની ડિટેલ લીધી હતી. જેમાં બેંકમાં રજિસ્ટર્ડ તેમનાં મોબાઇલ નંબર પરથી પેટીએમ એકાઉન્ટ ખોલાયું હતું. ત્યારબાદ તે પેટીએમ દ્વારા જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી 2.71 લાખ નિમિષાબેનના એકાઉન્ટમાંથી ઉપાડી લેવાયા હતા. આથી પોલીસે તે મોબાઇલના આઈપી એડ્રેસ તેમ જ પેટીએમના ટ્રાન્ઝેક્શનોનું એનાલિસીસ કરતાં આ પૈસા ખુદ તેમના પૌત્ર દેવ શાહે જ ઉપાડ્યા હોવાનું પૂરવાર થયું હતું. જેથી તેની ધરપકડ કરાઈ હતી. દેવે કબૂલ્યું કે, તે મિત્રો સાથે લુડો ગેમ રમતો હતો. જ્યારે મિત્રોનું જોઈને મોંઘાં કપડાં, ફોન, બાઈકનો શોખ પૂરો કરવા માટે તેણે પૈસા ઉપાડ્યા હતા.

મિત્રો સાથે ફરવા ગુજરાત બહાર પણ જતો હતો

દેવ તેના મિત્રો સાથે આખો દિવસ સિંધુ ભવન રોડ પર આવેલા કોફી શોપમાં બેસી રહેતો હતો અને ત્યાં જ લુડો ગેમ રમતો હતો. આટલું જ નહીં મિત્રોનું જોઈને મોંઘા મોબાઈલ ફોન-કપડાં-કોફી શોપના બિલ ચૂકવવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે દાદીના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા. જો કે દેવ ખાવા-પીવા સહિતના મોજશોખ કરવા માટે મિત્રો સાથે ગુજરાત બહાર પણ જતો હતો.

દેવે ધોરણ-12ની રિટેસ્ટ આપી હતી અને તેના પિતા ગાર્મેન્ટના વેપારી છે

દેવએ ધોરણ-12ની પરીક્ષા આપી હતી, જેમાં એક વખત નાપાસ થતાં રિટેસ્ટ આપી હતી. જ્યારે તેના પિતા ગારમેન્ટનો ધંધો કરે છે. પરિવારમાં દેવ તેના માતા-પિતા-બહેન અને દાદી સાથે રહે છે.

ફોન બંધ થઈ જતાં નિમિષાબેન એવું સમજ્યાં કે રિચાર્જ પૂરું થઈ ગયું હશે

સાઇબર ક્રાઇમ પીઆઈ એમ.એચ. પુવારે જણાવ્યું હતું કે, દાદીના એકાઉન્ટમાંથી પૈસા પડાવવા માટે દેવે પહેલાં તો દાદીનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. ફોન બંધ થઈ જતાં નિમિષાબેન એવું સમજ્યા કે રિચાર્જ પૂરું થઇ ગયું હશે, પરંતુ ખરેખર દેવએ નિમિષાબેનના તે નંબરનો બીજા ફોનમાં ઉપયોગ કરીને તેના આધારે પેટીએમ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે એકાઉન્ટ નિમિષાબેનના એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને તેમાંથી પૈસા વાપરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here