Wednesday, October 20, 2021
Homeગુજરાત સરકારે નવરાત્રિની પ્રસાદ બાદ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું, હવે પોલીસ...
Array

ગુજરાત સરકારે નવરાત્રિની પ્રસાદ બાદ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું, હવે પોલીસ પરમિશન લેવી જરૂરી નહી

નવરાત્રિ ઉજવણી પર સરકાર વારંવાર નિર્ણયો બદલતી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો. હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે.

માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી

સરકારે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માર્કિંગ જરૂરી
આવતીકાલે શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબા કરવાની પરમિશન આપી નથી. માત્ર એક કલાક માટે પૂજા અને આરતી કરી શકાશે, ત્યારે હવે સરકારે પહેલા પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવાના નિર્ણય પાછો ખેંચ્યો છે. એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે.એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. તેમજ પ્રસાદ પણ પેકેટમાં જ વહેંચવો પડશે. શીંગ-સાકરીયા જેવો પ્રસાદ પેકિંગ વિના વહેંચી શકાશે નહીં.

પરમિશન ન લેનાર સામે કાર્યવાહી સુધીના પગલાં ભરવા કહેવાયું હતું
નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત કરાઈ હતી, જેના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોસાયટીના લેટરપેડ પર અરજી કરીને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવાનું ફરજિયાત કરાયું હતું. પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે તેવી માર્ગદર્શિકા સાથે ગઈકાલે અમદાવાદ સહિતના શહેરોમાં પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થઈ પણ હતી. એટલું જ નહીં જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન લીધી ન હોય તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહીની ચીમકી અપાઈ હતી.

સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન્સ

 • આ નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં.
 • એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.
 • નવરાત્રિ દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય.
 • આ માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
 • 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
 • કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
 • છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
 • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
 • થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે.
 • હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
 • સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
 • 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે.
 • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments