ગુજરાત સરકારે APMCના વેપારીઓને ખેડૂતો પાસેથી ખેતરમાંથી જ કૃષિ ઉત્પાદનો ખરીદવા કહ્યું

0
6

ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) બંધ છે. જોકે, ખેડૂતોની માગ અને અનાજની આવનારા દિવસોમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી 14 એપ્રિલથી રાજ્યના અમુક યાર્ડો ફરી શરુ થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકારે શરુ થનારી ખેત બજારો માટે એક ગાઈડ લાઈન બહાર પાડી છે. નોટીફિકેશન બહાર પડી અને રાજ્ય સરકારે APMCના વેપારીઓ અને કમિશન એજન્ટ્સને ખેડૂતો પાસેથી સીધા ખેતરમાંથી જ કૃષિ ઉત્પાદનો ખરીદવા કહ્યું છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સરકારે નોટીફિકેશનમાં જણાવ્યું છે કે, બજારમાં અનાજની હરાજી વખતે વેપારીઓ અને ખેડૂતો સહિત 40-50 લોકો ભેગા થતા હોય છે. આ પરિસ્થિતિ નિવારવા વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિએ ગોઠવવી જોઈએ.

મોટી APMCઓએ હજુ હરાજી શરુ કરવા નિર્ણય કર્યો નથી

મળતી જાણકારી મુજબ, ઊંજા, રાજકોટ, ગોંડલ, જુનાગઢ સહિતની મોટી ગણાતી અને જ્યાં અનાજનું વેચાણ વધુ થાય છે તેવી APMC સમિતિઓએ હજુ સુધી હરાજી શરુ કરવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. વેરાવળ, પાટણ, ભાબર જેવા યાર્ડોમાં 14 એપ્રિલથી હરાજી શરૂ થશે. જે યાર્ડ ચાલુ રહેશે તેમાં પણ ખેડૂતો, જથ્થાબંધ વેપારીઓ, કમીશન એજન્ટ્સ માટે આવવાનો સમય અલગ અલગ રાખવો જેથી યાર્ડ પરિસરમાં ભીડ ન થાય.

ગોંડલ યાર્ડના વેપારીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે

આજે સોમવારે ગોંડલ યાર્ડ સમિતિ દ્વારા જીલ્લા વહીવટી અધિકારીઓની હાજરીમાં વેપારીઓ, કમિશન એજન્ટ્સ અને ખેડૂતો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં વર્તમાન સંજોગોમાં ખરીદ વેચાણ કઈ રીતે શરુ કરવું તે અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ગોંડલ યાર્ડ દ્વારા જે વેપારીઓ અને કમિશન એજન્ટ્સ ખેડૂતોના ખેતરમાં જઇને ખરીદ કરવા ઈચ્છતા હશે તેમને બજાર સમિતિ દ્વારા પાસ આપવામાં આવશે જેથી તેમને લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ કે અન્ય કોઈ મુશ્કેલી પડે નહી.

માસ્ક, સેનિટાઈઝેશન વગર યાર્ડમાં પ્રવેશ બંધી

સરકારે તકેદારી રાખવા માટે પરિપત્રમાં જણાવ્યું છે કે, ચાલુ યાર્ડમાં કોઈ પણ વ્યક્તિને માસ્ક પહેર્યા વગર અંદર પ્રવેશ કરવા દેવો નહી. આ ઉપરાંત અંદર જતી વખતે અને બહાર નીકળતી વખતે પણ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. ખરીદ અને વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ અને કમીશન એજન્ટ્સે હાથમાં ગ્લોવ્ઝ (મોજા) પહેરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here