MP પેટાચૂંટણી : હાઈકોર્ટે વર્ચ્યુઅલ રેલી કરવાનું કહ્યું હતું, સુપ્રીમ કોર્ટની રોક; રાજકીય પાર્ટીઓને ફટકાર લગાવી

0
4

મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી અંતર્ગત રાજકીય પક્ષોને માત્ર વર્ચ્યુઅલ રેલી કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટે લગાવી દીધો છે. આ પહેલાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેંચે ફિઝિકલ રેલી પર રોક લગાવતા માત્ર વર્ચ્યુઅલ રેલી કરવાના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચ અને ભાજપના નેતા પ્રધ્યુમન સિંહ તોમરે તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

ચૂંટણી પંચે કહ્યું હતું કે 3 નવેમ્બરે પેટા ચૂંટણી થવાની છે. જેના થોડાં દિવસ પહેલાં હાઈકોર્ટના આદેશે ચૂંટણી પ્રક્રિયાને પાંગળી બનાવી દીધી છે. જો કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી રેલીઓમાં કોરોના ગાઇડલાઈન્સ લાગુ કરાવવા માટે યોગ્ય સમયે પગલાં ન ભરવાને લઈને ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો છે. સાથે જ રાકીય પક્ષોને ફટકાર લગાવતા કહ્યું કે હાઈકોર્ટે જે આદેશ આપ્યા તેના માટે અંતે જવાબદાર કોણ છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું- હાઈકોર્ટને હવે દરમિયાનગીરી કરવાની જરૂર નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે પોતાનું કામ સારી રીતે કર્યુ છે, પરંતુ હવે તેઓને દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી. સાથે જ ચૂંટણી પંચને કહ્યું કે પોતાની જવાબદારીને યોગ્ય રીતે સંભાળો. કામની એવી રીત અપનાવો કે જેથી બધાનું ભલુ થાય. સુપ્રીમ કોર્ટ 6 સપ્તાહ પછી ફરી આ મામલે સુનાવણી કરશે.

હાઈકોર્ટે શું કહ્યું હતું?

ચૂંટણી સાથે જોડાયેલા તમામ કેમ્પેઇન વર્ચ્યુઅલ હોવા જોઈએ. જો ક્યાંય વર્ચ્યુઅલ મોડ સંભવ નથી તો ડીએમની મંજૂરીથી જ ફિઝિકલ પ્રચાર કરવામાં આવશે. ડીએમને પણ પહેલાં ચૂંટણી પંચ પાસેથી મંજુરી લેવી પડશે અને ચૂંટણી લડી રહેલા કેન્ડિડેટને એટલી રકમ જમા કરાવવી પડશે કે રેલીમાં એકઠાં થતા લોકો માટે માસ્ક અને સેનિટાઈઝર ખરીદી શકાય.