Saturday, September 24, 2022
HomeGST લાગુ થયા પછી ડિસેમ્બર-2020માં સૌથી વધુ કલેક્શન : આંકડો 1.15 લાખ...
Array

GST લાગુ થયા પછી ડિસેમ્બર-2020માં સૌથી વધુ કલેક્શન : આંકડો 1.15 લાખ કરોડને વટાવી ગયો.

- Advertisement -

નવા વર્ષના પ્રથમ દિવસે સારા સમાચાર મળ્યા છે. આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાને કારણે ડિસેમ્બર 2020માં 1,15,174 કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)નું કલેક્શન થયું છે. જુલાઈ 2017થી દેશમાં GST લાગુ થયા બાદ આ સૌથી વધુ કલેક્શન છે. આ પહેલાં રેકોર્ડ 1.14 લાખ કરોડ રૂપિયાનો હતો, જે એપ્રિલ 2019નો હતો. ઓક્ટોબર 2020માં GSTથી 1 લાખ 5 હજાર 155 કરોડ રૂપિયા અને નવેમ્બરમાં 1 લાખ 4 હજાર 963 કરોડ રૂપિયા આવ્યા હતા. નાણાં મંત્રાલયનું કહેવું છે કે GST ચોરી અને ફેક બિલની વિરુદ્ધ સમગ્ર દેશમાં ચલાવવામાં આવેલા અભિયાનને કારણે પણ કલેક્શન વધ્યું છે.

અર્થતંત્રમાં સુધારો

અમદાવાદના CA કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે કોરોના બાદ હવે અર્થતંત્ર સુધારી રહ્યું છે અને એ GSTના આંકડામાં રિફ્લેક્ટ થાય છે. આ સાથે જ સરકારે નાના ઉદ્યોગકારોને લાભ કરતી યોજનાઓ જાહેર કરી હતી અને GSTના નિયમો હળવા કર્યા હતા. એને કારણે પણ કલેક્શનમાં વધારો દેખાય છે. હવે જોવાનું એ રહે છે કે આવતા સમયમાં GSTનું કલેક્શન કેટલા અંશે આ લેવલ પર ટકી રહે છે. આજે જે ફિગર જાહેર થયા છે એમાં જૂનાં બાકી નીકળતાં ભરણાં પણ સામેલ છે.

2020માં માત્ર 5 મહિનામાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ કલેક્શન

 

કોવિડ-19 મહામારી અને લોકડાઉનને કારણે 2020માં માત્ર પાંચ મહિનામાં જ GSTનું કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2020માં 1 લાખ 10 હજાર 828 કરોડ રૂપિયાનું કલેક્શન રહ્યું હતું. એના આગળના મહિને ફેબ્રુઆરીમાં 1 લાખ 5 હજાર 366 કરોડ રૂપિયા આવ્યું હતું. અનલોક પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.

એપ્રિલમાં સૌથી ઓછું કલેક્શન થયું હતું

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી માર્ચથી GST કલેક્શન ઘટવા લાગ્યું હતું. આ મહિને કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઘટીને 97 હજાર 597 કરોડ રૂપિયા રહ્યું હતું. એપ્રિલમાં તો માત્ર 3 હજાર 172 કરોડ રૂપિયા રહ્યું, જે અત્યારસુધીનું સૌથી ઓછું કલેક્શન છે, જોકે મેથી એમાં સતત સુધારો થઈ રહ્યો છે.

GST કલેક્શન વધવાનાં ત્રણ મુખ્ય કારણ

  • નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2020માં એક વર્ષ પહેલાંની સરખામણીએ 12 ટકા વધુ રેવન્યુ મળી છે.
  • ડિસેમ્બર 2020માં આયાત વધી ગઈ છે. એક વર્ષ પહેલાંની સરખામણીએ આ વર્ષે આયાતથી 27 ટકા વધુ રેવન્યુ મળી છે.
  • GST ચોરી અને ફેક બિલની વિરુદ્ધ સમગ્ર દેશમાં ચલાવવામાં આવેલાં અભિયાનોને કારણે વધુ ટેક્સ મળ્યો છે.

એપ્રિલ-મેના ઘટાડાની થઈ શકે છે ભરપાઈ

GSTનો આ રેકોર્ડ એવા સમયે બન્યો છે, જ્યારે કોવિડ-19ના કારણે સ્થિતિ હજી સામાન્ય થઈ નથી. ઈન્ડસ્ટ્રી ચેમ્બર CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ કહ્યું સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. આયાત પર ટેક્સ કલેક્શન વધવાનો અર્થ એ છે કે લોકડાઉનની સુસ્તી પછી હવે ઉદ્યોગોમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. કન્સલ્ટન્સી ફર્મ ડેલોય ઈન્ડિયાના સીનિયર ડાયરેક્ટર એમ.એસ. મનીના જણાવ્યા અનુસાર અર્થવ્યવસ્થામાં માંગ સતત વધી રહી છે. નાણાંકીય વર્ષના શરૂઆતના મહીનાઓમાં, ખાસ કરીને એપ્રિલ અને મેમાં GST કલેક્શનમાં જે ઘટાડો આવ્યો હતો, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તેની ઘણી હદ સુધી ભરપાઈ થઈ જશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન GST કલેક્શન 14 ટકા ઓછું રહ્યું છે.

1 ડિસેમ્બર સુધીમાં 87 લાખ GSTR-3B રિટર્ન ફાઈલ થયાં

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં 21 હજાર 365 કરોડ રૂપિયા CGST, 27 હજાર 804 કરોડ રૂપિયા SGST અને 57 હજાર 426 કરોડ રૂપિયા IGSTમાંથી મળ્યા છે. IGSTમાં વસ્તુઓની આયાતથી મળેલા 27 હજાર 50 કરોડ રૂપિયા પણ સામેલ છે. આ સિવાય 8579 કરોડ રૂપિયા સેસ તરીકે મળ્યા છે. એમાં આયાત કરાયેલી વસ્તુઓ પર લગાવવામાં આવેલો 971 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, નવેમ્બર મહિના માટે 31 ડિસેમ્બર 2020 સુધી 87 લાખ GSTR-3B રિટર્ન ફાઈલ થયાં છે.

નાણાકીય વર્ષ 2019-20 માટે એન્યુઅલ રિટર્ન ફાઇલિંગની તારીખ વધારાઈ

કેન્દ્રએ નાણાકીય વર્ષ 2019-20 માટે એન્યુઅલ રિટર્ન ફાઇલિંગની તારીખ વધારી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ(CBIC)ના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2019-20 માટે એન્યુઅલ રિટર્ન ફેબ્રુઆરી 2021 સુધી દાખલ કરી શકાશે. અગાઉ આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular