રાજ્યમાં સૌથી વધુ સુરતમાં પ્લાઝમા દાન, એક જ કંપનીના 41 રત્નકલાકારોની માનવીય પહેલ

0
8

સુરત. દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે. પુર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સુરત ફરી પાછુ બેઠું થઈ તેજ રફતારથી દોડતુ થયું છે. ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હીરાની યુનિક જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે.

66 રત્નકલાકારોમાં એન્ટી બોડી ડેવલપ થયા
પ્લાઝમા ડોનેટ માટે એન્ટી બોડી ટેસ્ટ કરાવવો પડે તેવી વિગતોથી માહિતગાર જયેશભાઈએ ડોનેટ દરમિયાન પ્લાઝમા બેંકના ડો. અંકિતાબેન શાહને વાત કરી કે, અમારી કંપનીમાં 80થી વધુ રત્ન કલાકારોના એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યા છે.પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપભાઈ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 80 રત્નકલાકારો પૈકીના 66થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકયા છે. દિલીપભાઈએ કંપનીના રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તુરંત જ પોતાના પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી. પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્ન કલાકારોના પ્લાઝમા કલેકટ કર્યા છે, જયારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.

રત્નકલાકારો ફરીથી પણ દાન કરશે
યુનિક જેમ્સના પાર્ટનર દર્શનભાઈ સલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, ઓક્સિમીટર, સેનેટાઈઝિંગ જેવી તકેદારી રાખી ડાયમંડ પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું હતું. આ સમય દરમ્યાન ઘણી ડાયમંડ કંપનીના રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. અમારી કંપનીમાં પણ છ રત્નકલાકારો સંક્રમિત થયા હતા. જેથી ત્રણ સપ્તાહ કંપની બંધ રાખવી પડી ત્યાર બાદ તા.14મી જુલાઈએ કામ શરૂ કર્યું, છેલ્લા બે થી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેકટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રિપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80 થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂકયા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. હાલમાં અમારી કંપનીમાં એક મહિનાથી કોઈ રત્નકલાકારોને કોઈ પ્રકારના લક્ષણો જણાયા નથી.

પ્લાઝમા અંગે પ્રોત્સાહિત કરાયા
કંપનીમાં કામ કરતા જયેશભાઈ મોણપરાએ કહ્યું કે, કોરોના સામે લડવા માટે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ થાય તે જરૂરી છે. અમે કંપનીના અન્ય રત્નકલાકારોને કોઈના ઘરનો ચિરાગ ન બુઝાઈ જાય એના માટે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે અમારા તમામ કર્મચારીઓ સમાજ માટે આ સેવાકાર્યમાં પ્લાઝમાં દાન કરવા આગળ આવ્યા એટલુ જ નહિ. બીજીવાર પણ પ્લાઝમાં દાન કરવા તૈયારી તેમણે દર્શાવી તેમ જયેશભાઇ જણાવે છે. પ્લાઝમા ડોનેટ કરનાર 38 વર્ષિય રત્નકલાકાર વિકાસભાઈ ગોહિલ જણાવ્યું કે, કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. આગળ આવા સમાજ હિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ. તેવો પણ મે સંકલ્પ કર્યો છે.

શું છે એન્ટી બોડી ટેસ્ટ..?
પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના 28 દિવસ બાદ એન્ટિ બોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટી બોડી બન્યા હોય તેઓ જ પ્લાઝમા આપી શકે છે. ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજીએ તો કોઈ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બને ત્યારે જો તેમની રોગપ્રતિકારક શક્તિ બરાબર હોય તો લોહીમાં રહેલા રોગ પ્રતિકારક કોષો કોરોના વાઈરસ ની વિરુદ્ધ લડી શકે તેવા એન્ટી બોડી બનાવવા લાગે છે આ વ્યક્તિ શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે રિકવર થઈ જાય છે. રીકવરી બાદ આપણુ શરીર IgG પ્રકારનાં એન્ટી બોડી બનાવવા લાગે છે. જો આવા વ્યક્તિનો IgG એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવે તો તેના શરીરમાંથી IgG એન્ટીબોડીઝની હાજરી જાણી શકાય છે. જેથી IgG એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યાં બાદ જે તે વ્યકિત પ્લાઝમા આપી શકે છે.

અદ્યતન ટેકનીકનો ઉપયોગ કરાય છે
સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમાં બ્લડ બેંકના હેડ ડો. અંકિતા શાહ જણાવે છે કે, બ્લડ સેમ્પલના કોવિડ IgG એન્ટીબોડી ટેસ્ટથી શરીરમાં એન્ટી બોડીઝની માત્રા અને હાજરીની જાણ થાય છે, જે દર્શાવે છે કે તમે વાઈરસનો ભોગ બન્યા હતાં કે નહીં. એન્ટી બોડીઝ હકીકતમાં એક એવું પ્રોટીન છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. IgG એન્ટિ-બોડીઝથી સમૃદ્ધ થયેલા પ્લાઝમાને કોરોના સામે ઝઝૂમી રહેલા દર્દીઓને ચડાવીને નવજીવન આપી શકાય છે. પ્લાઝમા આપવાનું ખુબ સરળ છે. તમારું શરીર તમે પ્લાઝમાનું દાન કરો તેની સાથે નવેસરથી એન્ટિ બોડીઝ બનાવવા લાગે છે. પુનઃ સ્વસ્થતા પછી એક વ્યક્તિના પ્લાઝમા દાન કરવાથી બે જિંદગીઓ બચાવી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું. સ્મીમેર બ્લડ બેંક ખાતે ગાઈડલાઈન મુજબ કોવિડ એન્ટી બોડીની હાજરી અને માત્રા જાણવા માટે અદ્યતન CLIA (Chemiluminescence) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.

સુરતમાં 514 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા

  • સ્મીમેર હોસ્પિટલમાં 289 વ્યકિતઓએ ડોનેટ કર્યા 479 ઈસ્યુ કર્યા
  • સિવિલ હોસ્પિટલમાં 140 વ્યકિતઓએ ડોનેટ કર્યા 308 ઈસ્યુ કર્યા
  • લોક સમર્પણ રકતદાન કેન્દ્રમાં 80 વ્યકિતઓએ ડોનેટ કર્યા 160 ઈસ્યુ
  • સુરત રકતદાન કેન્દ્રમાં 5 ડોનેટ 10 ઈસ્યુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here