વડોદરા : ભગવાન નરસિંહજી, વિઠ્ઠલનાથજી અને રણછોડરાયજીના ઐતિહાસિક વરઘોડા આ વખતે નહીં નીકળે.

0
4

વડોદરામાં દિવાળી બાદ વધેલા કોરોનાના વધેલા કેસોને ધ્યાનમાં લઇને વડોદરામાં કાર્તિકી પૂનમના દિવસે નીકળતો ભગવાન શ્રી નરસિંહજી, દેવઉઠી અગિયારસના દિવસે નીકળતો શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી રણછોડરાયજીનો ઐતિહાસિક વરઘોડો આ વખતે નીકળશે નહીં. શ્રી વિઠ્ઠલનાથજી મંદિર અને શ્રી રણછોડરાયજી મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, અમે વરઘોડા માટે મંજૂરી માંગી છે. જો મંજૂરી આપવામાં નહીં આવે તો અમે વરઘોડો કાઢીશું નહીં.

શ્રી નરસિંહજી મહારાજ મંદિર પરિવારે વરઘોડો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો

વડોદરા શહેરના એમ.જી. રોડ નરસિંહજીની પોળમાં આવેલા ઐતિહાસિક શ્રી નરસિંહજી મહારાજ મંદિરના પૂજારી હિતેષભાઇ પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા 286 વર્ષથી કાર્તિકી પૂનમના દિવસે આન, બાન, શાનથી ભગવાન શ્રી નરસિંહજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવે છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે અમો શ્રી નરસિંહજી મહારાજ મંદિર પરિવાર તરફથી કોરોનાની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇ વરઘોડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમો પરિવાર તરફથી શહેરીજનોને પણ અપીલ કરીએ છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરજો.

વડોદરામાં કોમી તોફાનોમાં પણ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળતો હતો

ઉલ્લેખનિય છે કે, વડોદરામાં કોમી તોફાનો થતાં હતા, ત્યારે પણ ભગવાન નરસિંહજીનો વરઘોડો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નીકળતો હતો, પરંતુ, આ વખતે કોરોનાની મહામારીના કારણે 286 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નીકળશે નહીં. ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોળમાંથી આન, બાન અને શાનથી નીકળે છે. વાજતે-ગાજતે નીકળતો ભગવાન નરસિંહજીનો વરઘોડો તુલસીવાડી ખાતે જાય છે. અને ત્યાં માતા તુલસીજી સાથે લગ્ન વિવાહ યોજાય છે. અને વહેલી સવારે પરત ફરે છે. ભગવાન નરસિંહજીના વરઘોડામાં સમગ્ર શહેરના લોકો ઉમટી પડે છે.

અમને વરઘોડો કાઢવા માટે હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી

તેજ રીતે માંડવી ખાતે આવેલા શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી ઓમ વ્યાસે જણાવ્યું હતું કે, શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વર્ષમાં બે વખત દેવ પોઢી અગિયારસ અને દેવ ઉઠી અગિયારસના દિવસે નીકળે છે. ગત જુલાઇ માસમાં દેવ પોઢી અગિયારસના દિવસે કોરોનાની મહામારીના કારણે વરઘોડો કાઢવામાં આવ્યો ન હતો. પરંપરા જાળવવા માટે મંદિર પરિસરમાં જ ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવા માટે પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ, હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી. જો અમને મંજૂરી આપવામાં નહીં આવે તો દેવ પોઢી અગિયારસની જેમ મંદિર પરિસરમાં જ વરઘોડો કાઢીશું. આ વખતે 211મો વરઘોડો છે.

અમે પરંપરાગત રીતે ભગવાન રણછોડરાયજીની પૂજા-અર્ચના કરીને ઉત્સવ મનાવીશું

તે પ્રમાણે એમ.જી. રોડ ઉપર આવેલા શ્રી રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે, અમે શ્રી રણછોડજી મંદિરનો વરઘોડો કાઢવા માટે પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ, હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. જો અમોને મંજૂરી આપવામાં નહીં આવે તો અમે વરઘોડો કાઢીશું નહીં. અમે પરંપરાગત રીતે ભગવાન રણછોડરાયજીની પૂજા-અર્ચના કરીને ઉત્સવ મનાવીશું.

તુલસી વિવાહ, લગ્ન પ્રસંગો તેમજ શુભ વિવાહો થવા પણ અશક્ય છે.

ઉલ્લેખનિય છે કે, દેવ ઉઠી અગિયારસથી તુલસી વિવાહની શરૂઆત થાય છે. તુલસી વિવાહ સાથે લગ્નો તેમજ શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. જોકે, આ વખતે કોરોની મહામારીના કારણે તુલસી વિવાહ, લગ્ન પ્રસંગો તેમજ શુભ વિવાહો થવા પણ અશક્ય છે. હાલ લગ્નો-શુભ પ્રસંગ પ્રસંગમાં 200 વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. જો આવનારા દિવસોમાં કોરોનાની સ્થિતિ બગડશે તો શુભપ્રસંગોમાં માણસોની સંખ્યામાં ઘટાડો થાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.