મુંબઇની હોસ્પિટલમાં બેદરકારી : હોસ્પિટલના વોર્ડમાં સંક્રમિત દર્દીઓ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ રાખ્યા

0
20

મુંબઈ:. અહીં સાયન હોસિપ્ટલમાં કોરોના દર્દીઓના મામલે એક મોટી બેદરકારી સામે આવી છે. અહીં ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ પાસે સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ રાખવામાં આવી રહ્યા હતા. દર્દીઓ અને તેમના પરિવારજનોએ હોસ્પિટલના વહીવટીતંત્રને ફરિયાદ પણ કરી પરંતુ આ મામલો ત્યારે ચગ્યો જ્યારે વીડિયો વાયરલ થઇ ગયો.

વાયરલ વીડિયો પ્રમાણે હોસ્પિટલના વોર્ડમાં ઘણા દર્દીઓ બેડ પર સૂતેલા છે. દર્દીઓ વચ્ચે કાળા પ્લાસ્ટિક બેગમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ બેડ પર રાખવામાં આવ્યા છે. અમુક મૃતદેહને કપડાથી તો અમુકને ધાબળાથી ઢાંકવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે વોર્ડમાં દર્દીઓ વચ્ચે આવા 19 મૃતદેહ રાખવામાં આવ્યા હતા.

હોસ્પિટલે સ્પષ્ટતા કરી

હોસ્પિટલના ડીન ડો. પ્રમોદ ઇંગલેએ વાયરલ વીડિયોની ખાતરી કરી છે. ડોક્ટર ઇંગલે પ્રમાણે હોસ્પિટલમાં સ્ટાફની અછત છે. દર્દીના પરિવારજનો મૃતદેહને લેવા માટે નથી આવી રહ્યા તેથી તેમને વોર્ડમાં રાખવામાં આવ્યા છે. મોર્ચુરીમાં જે 15 શેલ્ફ છે તેમાંથી 11  ભરેલા છે.

રિપોર્ટ આવે ત્યાં સુધી મૃતદેહ પડ્યા રહે છે

એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની તપાસ સાયન હોસ્પિટલમાં થાય છે. ધારાવીની હાલત બગડતી જાય છે. લેટેસ્ટ આંકડાઓ પ્રમાણે ધારાવીમાં કોરોના દર્દીઓની સંખ્યા 700 પાર જતી રહી છે. ધારાવી માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સાંઇ હોસ્પિટલને ક્વોરેન્ટીન સેન્ટર બનાવવામાં આવ્યા છે.

સાયન હોસ્પિટલમાં ટેસ્ટ થયાના લગભગ 15-20 કલાકમાં રિપોર્ટ આવી જાય છે. અહીં ઇમરજન્સી વોર્ડમાં 20 બેડ છે. અહીં કોવિડ અને નોન કોવિડ  બન્ને પ્રકારના દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં જો ઇમરજન્સી વોર્ડમાં કોઇ દર્દીનું મૃત્યુ થઇ જાય તો તેનો મૃતદેહ કોવિડ ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી ત્યાં જ પડ્યો રહે છે.  તેની આસપાસના પલંગ પર દર્દીઓને રહેવા માટે કહેવામાં આવે છે.

નીતેશ રાણેનું ટ્વિટ

ભાજપના નેતા નીતેશ રાણેએ પણ વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે લખ્યું- સાયન હોસ્પિટલમાં મૃતદેહ વચ્ચે દર્દીઓ પણ સૂતા છે. આ શરમજનક છે.

પૂર્વ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની માંગ કરી

આ ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- સાયન હોસ્પિટલમાં થયેલી આ ઘટના બહુ ગંભીર છે. મૃતદેહોની બાજુમાં કોરોના સંક્રમિત દર્દીઓનો ઇલાજ ચાલુ રાખવો એક ગંભીર વાત છે. સવાલ એ છે કે શું મુંબઇકરોનો કોઇ રખેવાળ નથી બચ્યો ? સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ અને એ સુનિશ્વિત કરવું જોઇએ કે આવી ઘટના ફરી ન થાય.

સાયન હોસ્પિટલમાં માત્ર કોરોનાની તપાસ થાય છે. તપાસમાં જો કોઇ પોઝિટિવ મળે તો ઇલાજ માટે કસ્તૂરબા હોસ્પિટલ મોકલવામાં આવે છે. પરંતુ જેવી રીતે ધારાવીમા કેસ વધી રહ્યા છે, હોસ્પિટલ માટે તેમને સંભાળવા મુશ્કેલ બની રહ્યા છે. ધારાવીમાં સોશિયલ વર્ક સાથે જોડાયેલા ફહાદ અહેમદ જણાવે છે કે જે આંકડો ધારાવીનો જણાવાય છે તે માત્ર દસ ટકા છે. ત્યાં ઘણા એવા લોકો છે જે કોરોના પોઝિટિવ છે પરંતુ હોસ્પિટલ નથી જતા અને ટેસ્ટ નથી કરાવતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here