વેરાવળની ધાણીશેરીમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી

0
0

વેરાવળની ધાણીશેરીમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં બે પરિવારો બે ઘર બની ગયા છે. મકાનની બાજુમાં આવેલું બિલ્ડિંગ પાડીને ત્યાં નવું બિલ્ડિંગ બાંધવા 10થી 15 ફૂટ ઊંડો પાયો ખોદતાં આ મકાન ધરાશાયી થયું હતું, જ્યારે પરિવારજનો પહેરેલાં કપડે બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો છે અને ગઇકાલે રવિવાર હોવાથી શેરીમાં લોકોની અવરજવર નહિવત્ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મકાન નમી જતાં પરિવારજનો બહાર નીકળી ગયાં
વેરાવળમાં ધાણીશેરી જૂની સેલટેકસવાળી ગલીમાં શ્યામ ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે. એ બિલ્ડિંગ પાડીને 15 દિવસથી નવા બાંધકામ માટે કામગીરી ચાલતી હતી. એમાં મંજૂરી વગર જેસીબીથી 10થી 15 ફુટ ઊંડો પાયો ખોદવમાં આવ્યો હતો. આ દરમિયાન તેની બાજુમાં અડીને આવેલું ત્રણ માળનું મકાન શનિવારના બપોરના સમયે એકાએક નમવા લાગ્યું હતું, જેથી તે મકાનમાં રહેતા બે પરિવારના 12 જેટલા સભ્ય પહેરેલાં કપડે બહાર નીકળી જઈ પોલીસને જાણ કરી હતી.

ધરાશાયી થયેલા મકાનનો શેરીમાં પડેલો કાટમાળ.
ધરાશાયી થયેલા મકાનનો શેરીમાં પડેલો કાટમાળ.

રવિવાર હોવાથી મોટી જાનહાનિ ટળી
ગઈકાલે સાંજના સમયે આ નમી ગયેલું મકાન એકાએક ધડાકા ભેર તૂટી પડતાં બન્ને પરિવાર બેધર બની ગયા હતા. મકાનમાં રહેલો તેમનો સામાન અને જીવનમૂડી કાટમાળમાં દટાઇ ગઇ હતી. જોકે ગઈકાલે રવિવાર હોવાથી બજાર બંધ હોવાથી ગલીમાંથી વાહનચાલકો અને રાહદારીઓની મોટી આવન-જાવન ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

મકાનમાં 12 સભ્ય રહેતાં હતા
ધરાશાયી થયેલા મકાનમાં બાબુભાઇ ભીખાભાઇ માલમડી અને વિજયભાઇ માલમડી બન્ને પરિવારોના 12 સભ્ય રહેતા હતા. તેમનું મકાન તા.17ના રોજ નમી ગયું હોવાથી પોલીસમાં અરજી આપી હતી કે, અમારા મકાનની બાજુમાં 15 ફૂટ ઊંડો ખાડો ખોદતાં મકાનને નુકસાન થયું છે, આખું મકાન ફાટી ગયું છે. ગમે ત્યારે પડવાની ભીતિ છે. ભય લાગતાં પરિવારના 12 સભ્ય પહેરેલાે કપડે બહાર નીકળી ગયા હતા.

બાજુમાં ખોદવામાં આવેલા ખાડાની તસવીર.
બાજુમાં ખોદવામાં આવેલા ખાડાની તસવીર.

અમારી ઘરવખરી, દરદાગીના બધું કાટમાળમાં દબાઇ ગયું: પરિવારજનો
મકાન ધરાશાયી થતાં બેઘર બનેલાં પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે મંજૂરી કરીને ગુજરાન ચલાવી છીએ, અમારી ઘરવખરી, દરદાગીના બધું કાટમાળમાં દબાઇ ગયું છે. મકાન નમી જતાં અમે પોલીસમાં અરજી પણ આપી હતી. નગરપાલિકાની કોઇપણ મંજૂરી વગર ખોદકામ કરાયેલું છે. ભગવાનની દયાથી અમે બહાર નીકળી ગયા હોવાથી બચી ગયા છીએ.

આજુબાજુનાં અન્ય મકાનો પણ જર્જરિત થયાં
આ મકાન પડવાથી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જ્યારે આ મકાન ધરાશાઇ થતાં આજુબાજુના અન્ય મકાનો પણ જર્જરિત થયાં છે. ફાયર વિભાગના કર્મચારીઓએ અડીને આવેલાં અન્ય મકાનોને ખાલી કરવા જાણ કરી છે. જોકે ઘટનાને પગલે કોઇ જવાબદાર અધિરારી સ્થળ પર ન ફરકતાં બેઘર બનેલાં પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે.

શહેરમાં અન્ય જર્જરિત મકાનો બાબતે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ
નોંધનીય છે કે જોડિયા શહેરમાં જુનવાણી અને જર્જરિત અનેક બિલ્ડિંગો આવેલાં છે, જે કાયમી અકસ્માતને આમંત્રણ આપી રહ્યાં હોવા છતાં જવાબદાર પાલિકા કે વહીવટી તંત્ર કોઈ અસરકારક કામગીરી કરતું નથી, જેને કારણે ચોમાસાની સીઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના અથવા જર્જરિત ભાગો પડી જવાના અકસ્માતો અનેકવાર બની રહ્યા છે. ત્યારે આ અકસ્માત સર્જાતાં તાત્કાલિક તંત્રે અસરકારક કામગીરી કરવી જોઈએ એવી લોક માગ ઊઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here