પીઢ અભિનેતા, પ્રખ્યાત દિગ્દર્શક અયાન મુખર્જીના પિતા અને અભિનેત્રી કાજોલના કાકા, દેબ મુખર્જીનું નિધન થયું છે. 83 વર્ષીય દેબ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી ખૂબ બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અને આજે હોળીના દિવસે સાવરે તેમનું નિધન થયું છે.
દેબ મુખર્જીના એક નજીકના સંબંધીએ ફોન પર જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 7.30 વાગ્યે તેમના મુંબઈ નિવાસસ્થાને તેમનું નિધન થયું. દેબ મુખર્જીના અંતિમ સંસ્કાર આજે સાંજે 4.00 વાગ્યે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
ઘણા વર્ષોથી, દેબ મુખર્જી ‘નોર્થ બોમ્બે પબ્લિક દુર્ગા પૂજા પંડાલ’નું આયોજન કરી રહ્યા હતા જે મુંબઈના સૌથી મોટા દુર્ગા ઉત્સવ તરીકે જાણીતો હતો. તેમની સાથે કાજોલ અને રાની મુખર્જી પણ આ પૂજાના આયોજનમાં તેમને મદદ કરતા હતા. દર વર્ષે મુંબઈના સૌથી મોટા દુર્ગા ઉત્સવમાં ભાગ લેવા માટે બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ આવે છે.
દેબ મુખર્જીના ભાઈ જોય મુખર્જી પણ એક અભિનેતા હતા અને તેમના બીજા ભાઈ શોમુ મુખર્જીના લગ્ન અભિનેત્રી કાજોલની માતા તનુજા સાથે થયા હતા. દુર્ગા પૂજા દરમિયાન દેબુ ઘણીવાર કાજોલને લાડ લડાવતા પણ જોવા મળ્યા હતા.
દેબ મુખર્જીએ 60 અને 70 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને વધારે સફળતા મળી ન હતી. તેઓ કરાટે (1983), બાતોં બાતોં મેં (1979), મેં તુલસી તેરે આંગન કી (1978), હૈવાન (1977 ), કિંગ અંકલ (1993 ), બંધુ (1992), આંસૂ બને અંગારે (1993 ), મમતા કી છાંઓં મેં (1989 ) અને ગુરુ હો જા શુરુ (1979 ) જેવી ફિલ્મોમાં દેખાયા હતા.