સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેટ યાર્ડ મગફળીથી ઊભરાયું, એક જ દિવસમાં 1 લાખથી વધુ ગૂણીની મગફળીની આવક

0
5

સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની સીઝનના પ્રારંભ સાથે જ મગફળીની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વારંવાર માર્કેટ યાર્ડ મગફળીથી ઊભરાતું જોવા મળી રહ્યું છે. ગત રાત્રિના મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવતાં એક જ દિવસમાં યાર્ડમાં મગફળીની 1 લાખ ગૂણી કરતાં વધુની આવક થઈ હતી. આ સાથે જ માર્કેટ યાર્ડ મગફળીથી ઊભરાઈ જતાં માર્કેટ યાર્ડના સત્તાધીશોને મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી.

મગફળીની હરાજીના સમયમાં વધારો કરવાની ફરજ પડી

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 650થી લઈને 1096 સુધીના બોલાયા હતા. આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવાનો છે છતાં પણ ગોંડલ માર્કેટ યાર્ડ વારંવાર બંધ કરવાની ફરજ પડી રહી છે. સતત વધી રહેલી મગફળીની આવકને લઈને મગફળીની હરાજીના સમયમાં વધારો કરવાની ફરજ પડી છે.

ખેડૂતોની મગફળી બગડે નહીં એવી તકેદારી યાર્ડ દ્વારા રખાઈ

ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ દરેક ખેડૂત ભાઈઓને જણાવ્યું હતું કે મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન

સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યાં છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતાં ભાવ પણ સારા મળી રહે છે. આથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે.