ગાંધીનગર : સરકારી આવાસનું ભાડું નહીં ભરનાર બાકીદારોની યાદી ઓનલાઇન મુકાશે

0
41

ગાંધીનગર: પાટનગરમાં સરકારી અધિકારી-કર્મચારીઓને રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવતા જુદી જુદી કક્ષાના આવાસની પ્રતિક્ષા યાદીને ઓનલાઇન કરી દેવામાં આવ્યા પછી પાટનગર યોજના વિભાગના અધિકારીઓ દ્વારા સરકારી આવાસમાં રહેતા કે રહી ચૂકેલા અને ભડાની રકમ નહીં ભરતા બાકીદારોનાં નામની યાદી પણ ઓનલાઇન મૂકવાની વિચારણ શરૂ કરી છે.

બાકીદારોની યાદી ઓનલાઇન થવાથી તે વાત કર્મચારી આલમમાં ચર્ચાનો વિષય બનશે. પરિણામે આ સમસ્યાને ઘણે અંશે નિવારી શકાશે. ઉપરાંત આ પ્રક્રિયા સરળ પણ બની જશે. તેમ અધિકારીઓ માની રહ્યાં છે. સરકારી આવાસની ફાળવણી કરવામાં અને ભાડાની વસૂલાત કરવાની કામગીરીમાં ભૂતકાળમાં થયેલા વ્યાપક ગોટાળા અને તેના પરિણામે પાટનગર યોજના વિભાગની વગોવણી થવાના પગલે આ સંબંધિ સમગ્ર પ્રક્રિયામાં આમુલ પરિવર્તન લાવવા માટે મંત્રી કક્ષાએથી પણ તાકીદ કરવામાં આવી હતી.

આમ છતાં આ મુદ્દો લાંબા સમય સુધી કાગળ પર જ રહ્યાં પછી તત્કાલિન મુખ્ય ઇજનેર એમ બી ભલાલાના સમયમાં તેને ગંભીર ગણીને સમગ્ર પ્રક્રિયાનું કોમ્પ્યુટિકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને સોફ્ટવેર નિષ્ણાતો સાથે બેઠકો યોજીને તેમને કામગીરી સમજાવાયા બાદ સોફ્ટવેર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે સોફ્ટવેરના પરિક્ષણના પરિણામ હકારાત્મક મળવાના પગલે આ કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત શાખાઓનાં કર્મચારીઓને કોમ્પ્યુટર સોફ્ટવેર સંબંધિ તાલીમ આપી દેવામાં આવી છે. શરૂઆતના તબક્કે સરકારી આવાસની પ્રતિક્ષા યાદીને ઓનલાઇન કરવામાં આવ્યા પછી હવે આવાસની ફળવણી અને ભાડા વસૂલાતની કામગીરીનું પણ કોમ્પ્યુટિકરણ કરવામાં આવશે.

સૌથી સારી વાત એ બની છે કે પ્રતિક્ષા યાદી ઓનલાઇન થવાના કારણે પાટનગર યોજના વિભાગનાં મુખ્ય મથક અને સેક્ટરની ઇન્કવાયરી કચેરી પર જઇને આવાસ ખાલી પડ્યાની માહિતી મેળવવાની દોડા દોડથી મુક્તિ મળી જશે. તેઓને પોતાના ઘરે અથવા કામના સ્થળે બેઠા રહીને પણ અને સરકારી કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને જ આ સંબંધિ માહિતી મળી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટનગરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી આવાસમાં રહેતા લોકો દ્વારા નિયમિત ભાડું ચૂકવવામાં આવતી નહીં હોવાના કારણે આ અંગે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરી આવી બાકી રકમ કેટલી છે તે અંગે વિગતવાર યાદી તૈયાર કરી આગામી દિવસોમાં જે તે બાકીદારો સામે કડક હાથે પગલાં લઈ જેતે લોકોએ હજુ પણ ભાડાની રકમ ચૂકવી નથી તેવા લોકો તાત્કાલિક રકમ ચૂકવે અને જો તેઓ તેમ કરવામાં વિલંબ કરે તો તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરી આગામી સમયમાં પગલાં લેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેના કારણે સરકારી આવાસોમાં રહેનારા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here