Thursday, April 18, 2024
Homeગેજેટવીંછિયામાં સૌથી ઓછું વેક્સિનેશન, અધિકારીઓ સમજાવા ગયા તો લોકોએ કહ્યું- અમારી રક્ષા...

વીંછિયામાં સૌથી ઓછું વેક્સિનેશન, અધિકારીઓ સમજાવા ગયા તો લોકોએ કહ્યું- અમારી રક્ષા વેક્સિન નહીં ભગવાન કરશે, શું કામ રસી લઇએ!

- Advertisement -

રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ જિલ્લામાં સૌથી ઓછું વેક્સિનેશન વીંછિયા તાલુકામાં નોંધાયું છે. વીંછિયામાં હજી સુધીમાં 54 ટકા જ વેક્સિનેશન થયું છે. આજે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વીંછિયા તાલુકાનાં ગામડામાં અધિકારીઓ વેક્સિન લેવા માટે લોકોને સમજાવવા ગયા હતા. પરંતુ લોકોએ જણાવ્યું હતું કે, અમારી રક્ષા વેક્સિન નહીં ભગવાન કરશે, અમે શું કામ રસી લઇએ.

જિલ્લામાં 71 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો
દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 33 ગામમાં 50 ટકા કરતા ઓછું વેક્સિનેશન નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ લોધિકા તાલુકામાં 118 ટકા વેક્સિનેશન થયું છે. જ્યારે સૌથી ઓછું વીંછિયા તાલુકામાં 54 ટકા વેક્સિનેશન નોંધાયું છે. ધોરાજીના ફરેણી ગામમાં 25 ટકા લોકોએ હજુ રસી લીધી નથી. 71 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. વીંછિયા તાલુકામાં ગ્રામસભામાં લોકોએ અધિકારીઓને સામા સવાલ કર્યા હતા.

9.20 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો
રાજકોટ જિલ્લામાં 9.20 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 2.75 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. રસીને લઇને હજુ પણ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થઇ નથી. ક્યાંકને ક્યાંક અંધશ્રદ્ધાને કારણે અને જાગૃતિના અભાવને કારણે લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી.

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની સ્થિતિ
જ્યારે જિલ્લામાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 4,77,427ને પ્રથમ ડોઝ, 3,17,22ને બીજો ડોઝ, 45થી 60 વર્ષ વચ્ચે 3,88,229ને પ્રથમ તેમજ 1,96,535ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટલાઇન વોરિયર્સમાં 20,042ને પ્રથમ અને 15,726 લોકોને બીજો ડોઝ અપાય ચૂક્યો છે. અન્ય 11,699ને પ્રથમ તેમજ 9594ને બીજો ડોઝ મળીને કુલ 11,51,024 લોકોને પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી 13,91,713 ડોઝ તેમજ જિલ્લામાં 11,51,024 ડોઝ સાથે કુલ 25,42,737 ડોઝ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો.રૂપાલી મહેતાએ જણાવ્યું છે.

33 ગામમાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન
એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ યથાવત છે. તેની વચ્ચે રાજકોટ જિલ્લામાં હજુ પણ અનેક ગામડાંઓમાં લોકો કોરોના વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યાં છે. જિલ્લાના 33 ગામ આજે પણ એવા છે જ્યાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે. કેટલાક ગામોમાં તો માત્ર 10થી 20 ટકા જ રસીકરણ થયું છે. જિલ્લાના તાલુકાઓના કેટલાક વોર્ડમાં પણ 50 ટકા કરતા ઓછા લોકોએ કોરોનો વેક્સિન લીધી છે. આ વોર્ડ કે ગામમાં આજે પણ લોકોમાં વેક્સિન લેવા અંગે જાગૃતતા જોવા નથી મળી રહી. જેમાં ધોરાજીના વેલારિયા ગામમાં માત્ર 8 ટકા જ વેક્સિનેશન થયું છે. જ્યારે ઉડકિયામાં 19 ટકા અને ગરીડામાં 23 ટકા રસીકરણ થયું છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવે તો રસી ન લેવાનો નિર્ણય ભારે પડી શકે છે.

ગામડાંમાં રાત્રે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે છે.
ગામડાંમાં રાત્રે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે છે.

રસીમાં રસ લાવવા રાત્રે વેક્સિનેશન
આરસીએચઓ ડો. ભંડેરીના જણાવ્યા મુજબ ગામડાંઓમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી મોડી સાંજે પરત ફરતા હોય છે. ત્યારે આ ગામોમાં વેક્સિનેશન વેગવંતું બને અને લોકો રસી લેવા અંગે જાગૃત થાય તે માટે રાત્રીના 9 વાગ્યા સુધી વેક્સિનેશન શરૂ રાખવામાં આવે છે. ઘરે ઘરે જઈને પણ લોકોને રસી આપવા પ્રયત્ન થઈ રહ્યો છે. સાથે જ ગામના આગેવાનોનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular