વડોદરાના BJP કાઉન્સિલરનો મેસેજ વાઇરલ કહ્યું: ‘મોદીને તો રામમંદિર, 370 માટે વોટ આપ્યો હતો માટે ખાડાઓના રોદણા અમારી પાસે નહીં રોવાના’

0
8

વડોદરા શહેરમાં વરસાદના કારણે માર્ગો પડેલા ખાડાઓની ફરિયાદોથી કંટાળેલા ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલે વોટ્સએપ ઉપર એક મતદારને નફ્ફટાઇ ભર્યા કરેલો મેસેજ વાઇરલ થયો છે. કાઉન્સિલરે મેસેજમાં જણાવ્યું છે કે, ‘મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. મફતના ગાંઠિયા ખાઇને મત અપનારાઓની મને સલાહની જરૂર નથી’ આ ઉપરાંત મોદીને તો રામમંદિર, 370 માટે વોટ આપ્યો હોવાની વાત પણ મેસેજમાં કરી છે. જોકે, કાઉન્સિલરે પોતાના બચાવમાં જણાવ્યું કે, આ મેસેજ મેં કર્યો નથી, પરંતુ, મને કોઇને મોકલેલ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, કાઉન્સિલરે આ મેસેજ ડિલિટ કરવાને બદલે ફોરવર્ડ કરીને ભાજપના ધજાગરા ઉડાવી દીધા છે.

કાઉન્સિલરે મેસેજમાં કહ્યું કે, 2014 પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા

વોર્ડ નં-8ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્સએપ પર ભાજપના ધજાગરા ઉડાવતો મેસેજ મૂક્યો છે. જે મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. વાઇરલ થયેલો મેસેજ આ મુજબ છે ‘જાહેર સૂચના…મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવુ જ છું. જેમ કે 2014 પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા’.

મફતના ગાંઠિયા ખાઇને મત અપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી

આ ઉપરાંત બીજા મેસેજમાં જણાવ્યું છે કે, રસ્તા ઉપર પડેલા ખાડા રોડ રસ્તા માટે મેં નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય હતુ શ્રી રામ મંદિર, કાશ્મિરમાં 370 કલમ હટાવી, સમાન નાગરીક ધારો, આતંકવાદી મુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતનું નિર્માણે અને આ બધુ જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તેનો મને આનંદ સંતોષ છે. બાકી મફતના ગાંઠિયા ખાઇને મત અપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી.

કાઉન્સિલર કહે છે કે, આ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે, તે મારી ભૂલ છે

ભાજપની આબરૂના ધજાગરા ઉડાવતા વાઇરલ મેસેજ અંગે કાઉન્સિલર દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ધર્મેશ પંચાલે જણાવ્યું હતું કે, મારા વોટ્સએપ ઉપર કોઇનો આ મેસેજ આવ્યો હતો. અને આ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે. મેં આવો કોઇ મેસેજ કર્યો નથી. મારે આવો મેસેજ ફોરવર્ડ કરવો જોઇએ નહીં, તે મારી ભૂલ છે.

વડોદરામાં ખાડા અને ભૂવા પાલિકાના ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યા છે

ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરા શહેરમાં વરસાદના કારણે પડેલા ખાડા-ભૂવા પાલિકાના ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યા છે. વડોદરાના લોકો માર્ગો ઉપર પડેલા ખાડા-ભૂવાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. વેરા વસૂલવામાં કડકાઇ કરતી પાલિકા શહેરીજનોને સારા રસ્તા આપવામાં ધરાર નિષ્ફળ ગયું છે, ત્યારે ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલ ભલે કહેતા હોય, કે આ મેસેજ ફોરવર્ડ કરેલો છે, પરંતું, વાસ્તવિકતા એ છે કે, વડોદરા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓની ફરિયાદોથી ભાજપના મોટા ભાગના કાઉન્સિલરો ત્રાહિમામ પોકારી ગયા છે.

પાલિકાના વહીવટકર્તાઓ સામે ભારે લોકોમાં રોષ

ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલના વાઇરલ થયેલા ખાડા બાબતના મેસેજ શહેર ભાજપામાં ખળભળાટ મચાવી મૂક્યો છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વડોદરાના લોકોને સારા રસ્તા, શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયેલા પાલિકાના વહીવટકર્તાઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકા દ્વારા શહેરના માર્ગો ઉપર પડેલા મોટા ભૂવાઓ પુરવાને બદલે આડસ મુકીને સંતોષ વ્યક્ત કરી રહ્યું છે. આવી કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here