લાખણી : ધુણસોલ ગામની દૂધ મંડળીને ગ્રાહકોએ તાળાં માર્યા

0
4

નફાની ફાળવણીમાં મંત્રી દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાનો ગ્રાહકોએ કર્યા આક્ષેપો

લાખણી :- લાખણી તાલુકાના ધુણસોલ ગામે આવેલી બનાસડેરી સંચાલિત દૂધ ડેરીમાં મંત્રી તેમજ ચેરમેન દ્વારા ગ્રાહકો વચ્ચે પક્ષપાત રખાતો હોવાનો તેમજ દૂધનો નફો ઓછો અપાતો હોવાના આક્ષેપો સાથે 150 થી 200 ગ્રાહકોએ સાથે મળીને દૂધ ડેરીને તાળું મારી દેવાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

લાખણી તાલુકાના ધુણસોલ ગામે આવેલી ડેરીમાં થોડા સમય અગાઉ ચારથી પાંચ ગ્રાહકોનું દૂધ ખરાબ હોવાના લીધે તેઓ પાસેથી 45 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારબાદ ખરાબ દૂધ વાળા એક પણ ગ્રાહક પાસેથી દંડ વસૂલવામાં આવ્યો નહોતો. તેમજ તાજેતરમાં કોરોના ની મહામારી સમયે બનાસડેરી દ્વારા ગ્રાહકોને દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. તેમાં પણ ધૂણસોલ ડેરી દ્વારા ગ્રાહકોને ઓછો ભાવ વધારો ફાળવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મંગળવારના રોજ 200 જેટલા ગ્રાહકો દૂધ ડેરી ખાતે ધસી આવીને ડેરી ને તાળાબંધી કરી હતી અને તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેરી ખોલવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડેરીના ચેરમેન અને મંત્રીના મનસ્વી વર્તનને લીધે ધુણસોલ ખાતે આવેલી ડેરીમાં એક ટંકનું 10 હજાર લિટર દૂધ એટલેકે દિવસનું 20 હજાર લિટર દૂધ પશુપાલકોએ ઘરે રાખવાની નોબત આવી છે.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા