કોરોના દુનિયામાં 3.60 કરોડ કેસ : બ્રાઝિલમાં એક મહિના બાદ સૌથી વધુ નવા કેસ નોંધાયા, અમેરિકાનાં 6 રાજ્યમાં પરિસ્થિતિ બગડી.

0
0

દુનિયામાં કોરોનાના કેસનો આંક 3.60 કરોડથી વધુ થયો છે. કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 71 લાખ 36 હજાર 709થી વધુ થઈ ચૂકી છે, જ્યારે મૃત્યુઆંક 10.53 લાખને પાર થઈ ગયો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રાઝિલમાં એક મહિનાથી સંક્રમણના કેસના ઘટાડો થઈ રહ્યો છે, પણ હવે ફરીથી નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમેરિકાનાં 6 રાજ્યમાં પણ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

બ્રાઝિલ: ફરી સંક્રમણમાં વધારો
બ્રાઝિલમાં મંગળવારે કુલ 41 હજાર 906 નવા કેસ સામે આવ્યા છે. 11 સપ્ટેમ્બર બાદ આ એક જ દિવસમાં નવા કેસનો સૌથી મોટો આંક છે. આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. આ દરમિયાન 819 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે જ મૃત્યુ આંક 1 લાખ 47 હજાર 494 થયો છે. બ્રાઝિલ સરકારે કહ્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર માનીને કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. સરકારનું ધ્યાન મુખ્યત્વે સ્લમ વિસ્તારમાં છે. અહીં સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જોકે કડક લોકડાઉન જેવા ઉપાયોનો સરકારે ઇનકાર કરી દીધો છે.

અમેરિકા: 6 રાજ્યમાં વધુ દર્દીઓ
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, અમેરિકાનાં 6 રાજ્યમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એમાં વિસ્કોન્સિન રાજ્ય પણ સામેલ છે. મંગળવારે અહીં કેટલાંક નવાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, જેમાં જાહેર સમારંભમાં લોકોને એકઠા કરવા પર પણ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. મિનેસોટા, નેબ્રાસ્કા, ઉત્તર ડકોટા,સાઉથ ડકોટા અને વ્યોમિંગની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મંગળવારે વિસ્કોન્સિનમાં 782 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે અઠવાડિયાં પહેલાં આ સંખ્યા 433 હતી.

મોસ્કો: અહીં પણ કડક પ્રતિબંધો લગાવાયા
મોસ્કોના સ્થાનિક વહીવટીતંત્રએ ફરીથી વિદ્યાર્થીઓ અને વડીલોના બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અહીં 11 મે પછી સૌથી વધુ કેસ નોંધાયા છે. મંગળવારે કુલ 11 હજાર નવા કેસ નોંધાયા હતા. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે હાલમાં વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશે નહીં. ગુરુવારે અહીં આરોગ્ય મંત્રાલયની બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ આમાં ભાગ લેશે. આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વેક્સિન ન આવે ત્યાં સુધી અનેક પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે.

મેક્સિકો : એક જ દિવસમાં 28 હજાર કેસ
મેક્સિકોમાં સોમવારે નવા કેસોના આંકે સૌને હેરાન કરી દીધા હતા. અહીં એક જ દિવસમાં 28115 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 2789 લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. સરકારનું કહેવું છે કે નવા કેસમાં ઝડપી વધારાને કારણે જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવો જરૂરી બની ગયું છે. સરકારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ WHOને પણ મોકલવામાં આવશે. સંગઠનના વિશેષજ્ઞ આ બાબતે સરકારને સલાહ આપશે. જો શક્ય બનશે તો એક ટીમને મેક્સિકો પણ મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here