મ્યુનિ.કમિશનરે ર૦ દિવસમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી

0
2

ગાંધીનગર મહાનગરપાલિકામાં કાયમી ધોરણે ફરજ બજાવતાં ૯૫ જેટલા સફાઈ કામદારોના છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં સફાઈ કામદારોએ કોર્પોરેશનની કચેરીએ ધરણાં કર્યા હતા અને પ્રમુખ અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે આજે નાયબ મ્યુનિ.કમિશનરે ર૦ દિવસમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં પ્રમુખે પારણાં કરી લીધા હતા અને હાલ પુરતો આ લડતનો અંત આવ્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં કાયમી સફાઇ કામદારોને વિવિધ મળવાપાત્ર લાભોથી વંચિત રખાતાં છેલ્લા ઘણા સમયથી ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી રહી છે. તેની સામે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતાં સફાઇ કામદારોમાં પણ રોષ ઉભો થયો હતો. પગારમાં વિસંગતા અને મુકાદમની બઢતી માટે અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં તેનો ઉકેલ લાવવામાં નહીં આવતાં યુનિયન પ્રમુખ શાંતાબેન ચાવડા આજે સવારથી કોર્પોરેશનની કચેરીએ અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ ઉપર બેઠા હતા. જેના થકી આ આંદોલન વધુ વેગ પકડે તે પહેલા જ નાયબ મ્યુનિ.કમિશનર પી.સી.દવેએ લેખિતમાં યુનિયનના પડતર પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં ફરજ બજાવતાં ૯પ જેટલા સફાઈ કામદારોના પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પંચના પે ફિકસેશન ચકાસણી હાલમાં ચાલુ છે અને કમિટી દ્વારા આ ચકાસણી ર૦ દિવસમાં અથવા તો તેના પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. જેના કારણે પ્રમુખ દ્વારા પારણાં કરી લેવામાં આવ્યા હતા અને હાલ પુરતી આ લડતનો અંત આવ્યો હતો. નોંધવું રહેશે કે કાયમી સફાઈ કામદારોની સાથે કોર્પોરેશનમાં એજન્સીઓ દ્વારા રાખવામાં આવેલા સફાઈ કામદારોના પણ વ્યાપક પ્રશ્નો છે. જેને ઉકેલવા માટે પણ તંત્રએ એજન્સી સામે પગલાં ભરવાની જરૃર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here