સુરત : પાલિકા અને પોલીસ કમિશનર લોકોને સમજાવવા રસ્તા પર ઉતર્યા

0
17

સુરતઃ શહેરમાં 4 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ અને વૃદ્ધનું મોત થયું છે. કોરોનાના વધી રહેલા પ્રકોપના કારણે તેકેદારીના ભાગ રૂપે સુરત શહેરને 25 માર્ચ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જોકે, લોકો સવારથી રસ્તા પર નીકળી પડ્યા છે. જેથી પોલીસ અને પાલિકા કમિશનર શહેરના રાઉન્ડ પર નીકળ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે.

ઈમરજન્સી કામ માટે લોકોને જવા દેવાયા

આવશ્યક વસ્તુ અને સેવામાં આવતી સંસ્થાને ચાલુ રાખવામાં આવી છે. ગત રોજ જતના કર્ફ્યુને લઈએ લોકો સવારે સાતથી રાતના 9 વાગ્યા સુધી ઘરમાં રહ્યા હતા. જોકે, ત્યારબાદ કેટલાક વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા. પોલીસ દ્વારા પણ ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી. જોકે, આજે સવારે ફરી લોકો બહાર નીકળ્યા હતા. ઈમરજન્સી કામ માટે જતા લોકોને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે અન્યોને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મહિધરપુરા હીરા બજાર પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

25મી સુધી કર્ફ્યુ જારી જ છેઃ પાલિકા કમિશનર

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યૂ રવિવારે હતું ત્યાર બાદથી તારીખ 25મી સુધી કર્ફ્યુ જારી જ છે. તેમાં પાલિકાના આવશ્યક સેવાઓ સિવાય જેવી કે, તમામ સોના, ચાંદીની દૂકાનો, શોરૂમો, કાપડ દૂકાનો, તમામ પાનના ગલ્લા, ચાની દુકાનો-કિટલીઓ, ખાણીપીણી લારીઓ, તમામ સલુનો બંધ રાખવાના રહેશે. જ્યારે જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, સંસ્થાઓ જેવી કે, અનાજ કરિયાણા, શાકભાજી, ફળફળાદી, દુધ દુધની બનાવટો તથા મેડીકલ સ્ટોર્સ ચાલુ રહેશે.પાલિકા કમિશનરે કહ્યું હતું કે, આ માહામારીમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. તેઓ તમામને આ ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. જેને લઈ અપીલ કરવી પડે છે.

હીરા ઉદ્યોગ બંધ રાખવા અપીલ

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા સુરતનો મોટા ઉદ્યોગ એટલે હીરા ઉધોગ ને પણ 31 તારીખ સુધી બંધ રાખવા અપીલ કરાઈ છે. કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાતા અપીલ કરાઈ હોવાનું જણાવ્યું છે. જેને લઈ હીરા બજાર અને હીરાના કારખાનાં 31 માર્ચ સુધી બંધ રાખવા એસોસિએશન એ નિર્ણય લીધો છે.

પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 16ને કોરન્ટાઈન કરવાની તજવીજ

નવા બે પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવેલા 16 જેટલા વ્યક્તિઓને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શોધી શોધીને મોડી રાત સુધી કોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરવામા આવી હતી. જેમાં દુબઈનો પ્રવાસ કરી આવેલા યુવકના સંપર્કમાં 10 જણા આવ્યા હતા. જેમાં મોટાભાગના તેના નજીકના સંબંધીઓ તેમજ ઓફિસના કોન્ટેક છે. જ્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયા બાદ જે આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કમાં 6 જેટલા લોકો આવ્યા હતા. તેમને પણ શોધીને કોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી.

કોર્ટ બંધ રાખવા આદેશ

સુરતની કોર્ટ બંધ રાખવાનો આદેશ કરાયો છે. ડીજીપી, એડવોકેટ નયન ભાઈ સુખડવાલા દ્વારા ઈ-મેલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યો છે. પલીડર હોય કે પબ્લીક પ્રોસિક્યુટર 31 માર્ચ સુધી માત્ર મેલથી કામ કરવાનું છે. બેલ એપ્લીકેશન હોય કે અરજન્ટ હોય, પોલીસ તરફથી મુદ્દત એપ્લીકેશન આપવાની હોય અથવા એફિડેવિટ કોર્ટમાં સબમિટ કરવાની હોય મેલ કરવાનો રહેશે.

હોમ કોરેન્ટાઇન માટે મોબાઈલ એપ

સુરત મહાનગર પાલિકાએ હોમ કોરેન્ટાઇન હેઠળ રહેલા લોકોના મોનિટરીંગ માટે વિશેષ મોબાઇલ એપ સાકાર કરી છે. આ એપમાં હોમ કોરેન્ટાઇનમા રહેનારા તમામ વ્યક્તિની ડિટેઇલ એકત્રિત કરવામાં આવશે. મોબાઇલ નંબરના આધારે આ તમામ હોમ કોરેન્ટાઇનમાં રહેનારાઓને જીપીએસના માધ્યમથી ટ્રેસ આઉટ કરવામાં આવશે. હોમ કોરેન્ટાઇનમાં રહેનાર ઘરથી 10 મીટર દૂર જશે એટલે તરત જ પાલિકાને જાણ થઇ જશે અને કોલ કરીને હોમ કોરેન્ટાઇનમાં રહેવાની જાણ કરવામાં આવશે. તેમ છતાં નહચ માને તો કોરેન્ટાઇન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ પણ ઉલ્લંઘન કરે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરાશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here