Friday, October 22, 2021
Homeમહેસાણા : ઓબ્ઝર્વેશન હોમમાં આરોપીનું રહસ્યમય મોત, નરોડા પોલીસ-ઓબ્ઝર્વેશન હોમ શંકાના ઘેરામાં
Array

મહેસાણા : ઓબ્ઝર્વેશન હોમમાં આરોપીનું રહસ્યમય મોત, નરોડા પોલીસ-ઓબ્ઝર્વેશન હોમ શંકાના ઘેરામાં

  • કસ્ટોડિયલ મોત હોઈ જ્યુ. મેજીસ્ટ્રેટને તપાસ સોંપાઈ
  • પીઠના ભાગે થાપાથી ઢીંચણ સુધી ઈજાના નિશાન દેખાયા
  • રાત્રે 10.30 વાગે નરોડા પોલીસ મુકી ગઈ, મધરાતે 3.00 વાગે શ્વાસ લેવામાં તકલીફ થતાં સિવિલમાં ખસેડાયો ,3.50 વાગે  મૃત જાહેર 

મહેસાણાઃ 10 દિવસ અગાઉ મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશનમાંથી ભાગેલા કિશોર આરોપીનું અમદાવાદની નરોડા પોલીસ બુધવારે રાત્રે મુકી ગયાના 5 કલાક બાદ રહસ્યમય મોત થતાં ખળભળાટ મચી ગયો છે.કિશોરના શંકાસ્પદ મોતને લઈ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટને ન્યાયિક તપાસ સોંપવામાં આવી છે. મૃતકના થાપાથી ઢીંચણ સુધીના ભાગમાં થયેલી ગંભીર ઇજાના નિશાન અને તેમાંથી ફૂટેલા લોહીની ટસો ,નીકળેલી ચામડી જોતાં જ્યુડિશિયલ કસ્ટોડિયલ મોતના કેસમાં પોલીસે ફોરેન્સીક એક્ષપર્ટ તબીબોની પેનલ ટીમથી વીડિયોગ્રાફી સાથે પીએમ કરાવવા લાશ અમદાવાદ મોકલી આપી હતી.મૃતકના માતા,પિતાએ પુત્રની હત્યાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. બી ડિવિજન પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે.

કિશોરને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી

મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાંથી ગત 3 ફેબ્રુઆરીએ ભાગેલા 9 કિશોર આરોપીઓ પૈકીનો એક કિશોર બુધવારે રાત્રે 10.30 વાગ્યે નરોડા પોલીસ સ્ટેશનના એએસઆઇ કેશાભાઇ ભુરાભાઇ લેખિત રિપોર્ટ સાથે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મુકી ગયા હતા.ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ વિષ્ણુભાઇ પ્રજાપતિનુ કહેવુ છે કે, કિશોરને ભોંયતળીયે આવેલ ડોરમેન્ટ્રી રૂમ-1મા 8 બાળકો સાથે રખાયો હતો અને મોડીરાત્રે 3 વાગ્યા બાદ બાળકોની બુમો સાંભળી રૂમની બારીમાંથી જોયુ તો કિશોરને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

પીઠના ભાગે થાપાથી ઢીંચણ સુધી ઈજાના નિશાન દેખાયા

અધિક્ષક અમિત લિમ્બાચીયાને જાણ કરી 108માં તેને સારવાર માટે મહેસાણા સિવિલમાં લઇ જવાયો ત્યારે હાજર તબીબે 3.50 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારે ઘટનાની જાણ થતાં જ સિવિલમાં દોડી ગયેલા દંપતીએ મૃત પુત્રના પીઠના ભાગે થાંપા અને ઢીચણ વચ્ચેની ગંભીર ઇજા જોતાં પુત્રની હત્યાનો આક્ષેપ કરી હંગામો કર્યો હતો.જ્યારે બીજીબાજુ આ કસ્ટોડિયલ મોતનો મામલો હોઇ સિવિલના બે તબીબો સાથે પ્રાંત અધિકારી,મામલતદારે વીડિયોગ્રાફી સાથે ઇન્કવેશ ભરી લાશને પીએમ માટે અમદાવાદ મોકલી આપી હતી.

નરોડા પોલીસ મેડીકલ કરાવ્યા વિના કિશોરને મુકી ગઇ હતી

ગૃહપતિ વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે નરોડા પોલીસ મેડીકલ કરાવ્યા વિના કિશોરને મુકી ગઇ હતી અને અમે પણ રાત્રે પોલીસ જાપ્તો મળતો ન હોઇ સવારે તેનુ મેડીકલ કરાવવા નિર્ણય લીધો હતો.અહી ઓબ્ઝર્વેશન હોમમાં તેને કોઇ જ મારમારાયો નથી.જાણ થતાં જ ઓબ્ઝર્વેશન હોમ પહોંચી કિશોરને ઢંઢોળ્યો હતો.તે સમયે તેની મુમેન્ટ ઓછી હતી.

પુત્ર મળ્યો ત્યારે મને મહેસાણા ના મોકલશો,મારશે કહીને રડ્યો હતો

બુધવારે રાત્રે 8 વાગ્યે નરોડા પોલીસે પુત્રને મળવા બોલાવ્યો ત્યારે તેને મહેસાણા ના મોકલશો તેઓ મને મારશે તેમ કહીને રડ્યો હતો.પરંતુ મે તેને વહેલા જામીન કરાવવાનુ આશ્વાસન આપેલુ અને રાત્રે તેના મૃત્યુના સમાચાર મળ્યા.મારા પુત્રની મારમારીને હત્યા કરાઇ છે તેના પેન્ટના પાછળના ભાગે લોહીના ડાઘ છે.જવાબદારો સામે પગલા ભરો.મુકેશભાઇ ચૌહાણ ( કિશોરના પિતા)

હત્યા અને મોબાઇલ ચોરીના ગુનામાં કિશોરને ઓબ્ઝર્વેશન હોમમાં રખાયો હતો

અગાઉ ચોરીના ગુનામાં ઓબ્ઝર્વેશન હોમમાં રહી ચૂકેલા કિશોરને અમદાવામાં નરોડાના હત્યા અને સરદારનગરના ચોરીના ગુનામા ધરપકડ બાદ અમદાવાદ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી ગત 2 ડિસેમ્બરે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં લવાયો હતો.

આરોપી સોંપતા પહેલા તેનું મેડીકલ કરાવવુ ફરજીયાત

કાયદાકીય રીતે આરોપીને સોંપતા પહેલા તેનુ મેડીકલ કરાવવુ ફરજીયાત હોવા છતાં નરોડા પોલીસ માત્ર રિપોર્ટના આધારે આરોપી કિશોરને મુકી ગઇ જ્યારે ઓબ્ઝર્વેશન હોમે પણ પોલીસ દ્વારા સોંપાયેલા કિશોર આરોપીનુ મેડિકલ ન કરાવતા તેના શરીર ઉપરના મારના નિશાનો શંકા ઉપજાવી રહ્યા છે.હાલમાં બન્ને શાખાઓ શંકાના દાયરામાં છે ત્યારે શહેર બી ડિવિજન પોલીસ અને ઘટના બાદ ગાંધીનગરથી દોડી આવેલા અધિકારીઓએ ઓબ્ઝર્વેશન હોમના સીસી ફૂટેજ ચકાસી ફરજ પરના કર્મચારીઓ,બાળકોની પુછપરછ હાથ ધરી હતી.

અમે કિશોરને માર્યો નથી: પીઆઈ નરોડા

કિશોર અમને બુધવારે બપોરે મળ્યો હતો અને અમે તેની કોઇ મારઝુડ કરી નથી.રાત્રે 10 વાગ્યે સરકારી ગાડીમાં પોલીસ સાથે તેને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં જમા કરાવ્યો હતો અને ત્યાંથી કિશોર સહી સલામત હોવાનો લેટર પણ આપ્યો છે.કિશોર જેલમાંથી ભાગેલો હોઇ તેને એરેસ્ટ કર્યો નથી માટે મેડિકલ કરાવવાની જરૂર નથી. એસ.બી.વાઘેલા ( પીઆઇ,નરોડા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments