છોટાઉદેપુર : નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

0
5

નસવાડી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કૂલે કોરોના વાઈરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા છે. સ્કૂલના શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કૂલે બોલાવતા વિવાદ થયો છે. આદિવાસી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટીસંખ્યામાં લિંડા મોડલ સ્કૂલ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના સંક્રમણનો ભય ફેલાયો છે.

વાલી કહે છે કે, સ્કૂલમાંથી ફોન આવતા અમે પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા આવ્યા છીએ

વાલી શૈલેષભાઇ તડવીએ જણાવ્યું હતું કે, અમને ફોન કરીને જાણ કરી હતી કે, તમે પુસ્તકો અને પ્રશ્નપત્રો આવીને લઇ જાઓ. સરકારનો પરિપત્ર છે કે, બાળકો અને વાલીઓએ સ્કૂલોમાં આવવુ નહીં. તેમ છતાં સ્કૂલમાંથી અમને બોલાવ્યા છે, પરંતુ અમને અહીં બોલાવતા કોરોના વાઈરસ ફેલાવવાની શક્યતા છે.

સ્કૂલના આચાર્ય કહે છે કે, અમે વિદ્યાર્થીઓને સાથે લાવવાની વાલીઓને ના પાડી છે

લિંડા સ્કૂલના આચાર્ય મેરામન પેથીયાએ જણાવ્યું હતું કે, વાલીઓ અમને પૂછે છે કે, વિદ્યાર્થીની એકમ કસોટીનું શું છે કે, અમે વાલીઓને કહ્યું છે કે, વિદ્યાર્થીઓને સાથે લઇને આવવુ નહીં. કોઇ એક વાલી આવીને 5થી 10 વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો લઇ જાય તો પણ ચાલશે.

DEOએ પ્રશ્નપત્ર વિદ્યાર્થીના ઘરે પહોંચાડવાનો આદેશ કર્યો, પણ સ્કૂલો વિદ્યાર્થીઓને બોલાવે છે

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ છે કે, EI, AEI, સંકુલ સંયોજક, QDC સંયોજક અને આચાર્ય તમામ આવતીકાલથી એકમ કસોટીઓ શરૂ થઈ રહી હોવાથી કોઈપણ ભોગે આજે પ્રશ્નપત્ર સેટ વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. જે વિધાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી કે, અન્ય કોઈ રીતે પ્રશ્નપત્ર સેટ સોફ્ટ કોપી મોકલી શકાય તેમ નથી એમને પ્રશ્નપત્ર પ્રિન્ટ કરીને ઘરે પહોંચાડી શકાય તેમ વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવે છે.