યંગ ટેલેન્ટ સાથે વાત : PMએ યંગ ટેલેન્ટને કહ્યું- નવી શિક્ષણ નીતિએ ખરા અર્થમાં ભારતના સપનાને પોતાનામાં સમેટ્યા છે

0
2

નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ખરા અર્થમાં ભારતના સ્વપ્નને સાકાર કરશે. આ નવી શિક્ષણ નીતિમાં દરેક ક્ષેત્ર અને રાજ્યના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. તે ફક્ત એક નીતિ વિષયક દસ્તાવેજ નથી પણ 130 કરોડ ભારતીયોની આશા-અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે.

મોદીએ કહ્યું કે આજે પણ અનેક બાળકોને એવું લાગે છે કે એક એવા વિષય સાથે તેમના પ્રત્યે ધારણા વ્યક્ત કરવામાં આવે છે કે જેમાં તેમને કોઈ રસ નથી. તેમને માતાપિતા અને સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા વિષયો સાથે અભ્યાસ કરવો પડે છે. તેની અસર તેમના સમગ્ર જીવનકાળ પર થાય છે. નવી શિક્ષણ નીતિમાં તેને બદલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉની ઉણપોને ભરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શિક્ષણના ઈન્ટેન્ટ અને કન્ટેન્ટ બન્નેને ટ્રાન્સફોર્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ લર્નિંગ, રિસર્ચ અને ઈનોવેશન પર ફોકસ કરે છે. તેમણે કોઈમ્બતૂર અને ત્રિચીની એન્જીનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને કહ્યું કે મેડિકલ ક્ષેત્રમાં ડેટા ડ્રિબન ટેકનોલોજીની જરૂર છે. આ માટે વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજી શોધવા માટે આગળ આવવું જોઈએ.

આ અગાઉ તેમણે શુક્રવારે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે યંગ ઈન્ડિયા ટેલેન્ટથી ભરેલુ છે. હેકાથોનમાં ઈનોવેશન અને એક્સીલેન્સનો જોશ જોવા મળે છે. મોદીએ કહ્યું કે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન કલ્પના અને નવી શોધખોળ માટે ઉત્તમ પ્લેટફોર્મ બનીને ઉભરી રહ્યું છે. વર્તમાન સમયમાં આપણા યુવાનો કોરોના પછીના વિશ્વ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. આ સાથે દેશને આત્મનિર્ભર કરવા માટેના માર્ગો પર આગળ વધી રહ્યા છે.

શું છે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન?

દેશભરના વિદ્યાર્થીઓને ડેલી લાઈફમાં આવનારી મુશ્કેલીઓના નિરાકરણને પ્લેટફોર્મ આપવા માટેની એક પહેલ છે. જેમાં પ્રોડક્ટ ઈનોવેશનનું કલ્ચર અને પ્રોબ્લેમ સોલ્વિંગના વિચાર સાથે કામ કરવાનું હોય છે. સરકારનું કહેવું છે કે આ હેકાથોન દ્વારા કંઈક નવું કરવાના વિચારને યુવાનો વચ્ચે પ્રમોટ કરવામાં સફળતા મળી છે.

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું પહેલું એડિશન 2017માં થયું હતું. જેમાં 42 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 2018માં આ સંખ્યા 1 લાખ અને 2019માં 2 લાખે પહોંચી ગઈ છે. આ વર્ષે પહેલા રાઉન્ડમાં 4.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. આ વખતે ગ્રાઉન્ડ ફિનાલે ઓનલાઈન યોજાઈ રહ્યો છે. જેમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે 243 સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્પર્ધા છે. આ સમસ્યાઓ 37 કેન્દ્રીય વિભાગ, 17 રાજ્ય સરકાર અને 20 ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે.