નવો નિયમ : નવી સ્કૂલને મંજૂરી માટે ટ્રસ્ટની માલિકીનું નહીં, ભાડાનું મેદાન હશે તો પણ ચાલશે

0
7

અમદાવાદ: શિક્ષણ વિભાગે સ્કૂલ સંચાલકોના દબાણને કારણે નવી સ્કૂલોની મંજૂરી માટેના નિયમોમાં બદલાવ કર્યો છે. હવે નવી સ્કૂલની મંજૂરી માટે ટ્રસ્ટની માલિકીનું મેદાન હોવું જરૂરી નથી, મંજૂરી માટે 15 વર્ષના ભાડા કરાર આધારિત મેદાન પણ માન્ય રહેશે. સ્કૂલોએ ભાડાપટ્ટે લીધેલી જમીન ફરજિયાત 15 વર્ષ માટે લેવાની રહેશે, ઉપરાંત ભાડા કરાર સર્વે રેકર્ડમાં પણ રજિસ્ટર કરાવવો ફરજિયાત રહેશે. શિક્ષણ વિભાગે નવા નિયમોનું લિસ્ટ જાહેર કર્યું છે.

સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરતાં સરકારે નિયમમાં ફેરફાર કર્યો
આ પહેલા નવી સ્કૂલની મંજૂરી માટે શહેરી વિસ્તારમાં ટ્રસ્ટની માલીકીની 1200 ચો.મી અને ગ્રામ્ય વિસ્તારોમાં 2000 ચો.મી જમીન હોવી ફરજિયાત હતી. આ નિયમને કારણે અરજી કરનારી રાજ્યની સ્કૂલોમાંથી માત્ર 10 ટકાને જ્યારે અમદાવાદમાં 123માંથી માત્ર 6ને જ મંજૂરી મળી હતી. જેના કારણે સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરતાં સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરાયો હોવાનો દાવો સ્કૂલ સંચાલકોએ કર્યો હતો.
ભાડા કરારમાં ફેરફાર થાય તો સ્કૂલની મંજૂરી આપોઆપ રદ
ભાડા કરારની મુદત દરમિયાન જો તેમાં કોઇ ફેરફાર કરાય તો સ્કૂલની મંજૂરી આપોઆપ રદ્દ થશે. ઉપરાંત ભાડે લીધેલી જમીન પર મુદત દરમિયાન કોઇપણ પ્રકારનું બાંધકામ કરી શકાશે નહીં અથવા અન્ય ઉપયોગ માટે પણ આપી શકાશે નહીં. ખાસ સંજોગોમાં બોર્ડ અને ચેરિટી કમિશનરની મંજૂરી બાદ ઉપયોગ થઇ શકે છે. આ દરેક બાબતોને એફિડેવિટ કરીને સ્કૂલોએ આપવાનું રહેશે. ભાડે લીધેલી જમીન માટે 15 વર્ષની મુદત નક્કી કરવામાં આવી છે.
પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત
સ્કૂલોની માન્યતા અને નિયમો માટે 500 વિદ્યાર્થીને ધ્યાને લેવાઇ છે. પરંતુ જો કોઇ સ્કૂલ પાસે વિદ્યાર્થીની સંખ્યા 500થી વધારે હશે તો સ્કૂલે વધારાના દરેક વિદ્યાર્થી દીઠ 5 ચોમીનો ઉમેરો કરવો પડશે. ઉપરાંત ઠરાવમાં સીએસઆર પ્રવૃત્તિ કરવા ઇચ્છતી કંપનીઓને મેદાન આપવાની પરવાનગી અપાઇ છે. પરંતુ જીડીસીઆર-2017 પ્રમાણે દરેક સ્કૂલોએ પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે. સાથે જ પાર્કિંગની જગ્યાની ગણતરી મેદાનની જગ્યા સિવાયની ગણવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here