કોરોના દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 4 કરોડથી વધુ : ચીનમાં કોરોનાની 11 વેક્સિન તૈયાર થઈ રહી છે.

0
0

દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડથી વધુ થઈ છે. એમાંથી અત્યારસુધીમાં 1 લાખ 55 હજાર 701 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમણથી અત્યારસુધીમાં 11.19 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. સૌથી વધુ સંક્રમિત પાંચ દેશ- અમેરિકા, ભારત, બ્રાઝિલ, રશિયા અને આર્જેન્ટિનામાં જ કુલ કેસોના 58% એટલે કે 2.35 કરોડ કેસ છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે.

સ્વિટ્ઝર્લેન્ડે એક સપ્તાહમાં 8737 નવા કેસો અને 14 લોકોનાં મોત પછી નવા પ્રતિબંધો લગાવ્યા છે. સ્વિસ પબ્લિક હેલ્થ એજન્સી અનુસાર, સોમવારથી દેશમાં મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવાયો છે, આ સાથે જ દેશમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું છે. અહીં અત્યારસુધીમાં 83 હજારથી વધુ કેસો સામે આવી ચૂક્યા છે અને દરરોજ કેસ વધી જ રહ્યા છે, જ્યારે અત્યારસુધીમાં 1837નાં મોત થયાં છે.

ચીનઃ 11 વેક્સિન તૈયાર થઈ રહી છે

ચીને પોતાની ઈમર્જન્સી કોરોના વેક્સિનને ત્રણ શહેરમાં ઉપયોગની અનુમતિ આપી છે. તેનાં નામ યિવુ, નિંગબો અને શેઓક્સિંગ છે. આ તમામ શહેર જેઝિયાંગ રાજ્યમાં છે. પ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવશે. એ પછી સામાન્ય લોકોમાં વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે.

ચીનમાં 11 વેક્સિન તૈયાર કરાઈ રહી છે. આ તમામ ટ્રાયલના અલગ-અલગ સ્ટેજમાં છે. એમાંથી કેટલીકને ઈમર્જન્સીમાં ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે, બાકીની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. અત્યારસુધીમાં ચીનમાં 85,000થી વધુ સંક્રમિત મળ્યા છે અને 4634 મોત થયાં છે.

આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 83,88,013 2,24,732 54,57,912
ભારત 75,47,759 1,14,629 66,58,937
બ્રાઝિલ 52,24,821 1,53,730 46,35,315
રશિયા 13,99,334 24,187 10,70,576
સ્પેન 9,82,723 33,775 ઉપલબ્ધ નથી
આર્જેન્ટિના 9,79,119 26,107 7,91,174
કોલંબિયા 9,52,371 28,803 8,47,467
ફ્રાંસ 8,97,034 33,477 1,04,696
પેરુ 8,65,549 33,702 7,74,356
મેક્સિકો 8,47,108 86,059 6,15,680

 

ઈઝરાયેલઃ પ્રતિબંધોમાં રાહત આપશે

ઈઝરાયેલે સંક્રમણના કેસો ઘટાડો થયા પછી પ્રતિબંધમાં રાહત આપવાની વાત કરી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે એની ઘોષણા કરી હતી. હવે લોકો એક કિમીના વ્યાપમાં અવરજવર કરી શકશે. રેસ્ટોરાંથી ડિલિવરી ઉપરાંત ટેકઆઉટની સુવિધા મળશે. બીચ પર જવાની અનુમતિ હશે.

જોકે વડાપ્રધાને કહ્યું હતું કે લોકો સરકાર તરફથી જારી દિશાનિર્દેશોનું પાલન કરે. આશા છે કે અમને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ મળશે. જો એવું લાગશે કે સંક્રમણના મામલા ઓછા થતા નથી તો પ્રતિબંધો ફરીથી આકરા કરી દેવાશે.

દક્ષિણ પૂર્વ એશિયામાં સંક્રમણ રોકવાનું કામ ચાલુઃ ડબ્લ્યુએચઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ સોમવારે કહ્યું હતું કે દક્ષિણ પૂર્વ એશિયામાં સંક્રમણ રોકવાનું કામ ચાલુ રહેવું જોઈએ. આ રીજનમાં હાલ સંક્રમણમાં થોડો ઘટાડો આવ્યો છે. એવામાં આપણે પોતાના બચાવના ઉપાયોને અવગણવાની જરૂર નથી.

ડબ્લ્યુએચઓના દક્ષિણ પૂર્વ એશિયા રીજનના ડાયરેક્ટર ક્ષેત્રપાલ સિંહે કહ્યું હતું કે શિયાળાની ઋતુમાં સ્થિતિ વધુ બગડી શકે છે. આ ઋતુમાં સામાન્ય ફ્લૂ પણ થાય છે. ફ્લૂ અને કોરોના સંક્રમણનાં લક્ષણ એક જેવાં છે. એવામાં હેલ્થ વર્કર્સ માટે કોરોના સંક્રમિતોની ઓળખ કરવી પડકારરૂપ બનશે.

રશિયાઃ મોસ્કોમાં મોતની સંખ્યા 6,000ને પાર

રશિયાની રાજધાની મોસ્કોમાં છેલ્લા 24 કલાકમાં 50 સંક્રમિતનાં મોત થયાં છે. આ સાથે જ અહીં પર મોતની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે. ગત ત્રણ દિવસથી અહીં દરરોજ 50થી વધુ મોત થઈ રહ્યાં છે. શુક્રવારે 54 અને શનિવારે 52 સંક્રમિતના જીવ ગયા હતા. રશિયામાં રવિવારે 15,099 કેસ સામે આવ્યા, એમાંથી 4,610 માત્ર મોસ્કોમાં મળ્યા. દેશમાં અત્યારસુધીમાં 13 લાખ 99 હજાર 334 સંક્રમિત મળ્યા છે અને 24,187 મોત થયાં છે.

બ્રિટનઃ 24 કલાકમાં 16,000થી વધુ કેસ

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 16,000થી વધુ સંક્રમિતો મળ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 લાખ 22 હજાર 409 થઈ છે. અહીં અત્યારસુધીમાં 43,646 મોત થયાં છે. સરકારના સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રુપ અનુસાર, આગામી વર્ષે પ્રથમ ચાર મહિનામાં દેશને વેક્સિન મળી શકે છે. આ દરમિયાન બ્રિટનના માન્ચેસ્ટરમાં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીં પર દર્દીઓની સંખ્યા વધ્યા પછી હોસ્પિટલમાં બેડ ઓછાં પડ્યાં છે.

નેપાળઃ સરકાર નહીં ઉઠાવે સંક્રમિતોના ઈલાજનો ખર્ચ

નેપાળ સરકારે કહ્યું છે કે તે કોરોના સંક્રમિતોના ઈલાજનો ખર્ચ નહીં ઉઠાવે. હોમ આઈસોલેશનમાં સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોના મતદેહો દફનાવવાની પણ અનુમતિ નહીં અપાય. જોકે ફ્રન્ટલાઈન વર્કર્સ, વિકલાંગ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોના ટેસ્ટિંગ અને તેમનો ઈલાજ ફ્રીમાં થશે. આ નિર્ણય કે. પી. શર્માએ અગાઉ જ લીધો છે. જોકે રવિવારે સાર્વજનિક રીતે તેનું એલાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here