રાજકોટમાં 24 કલાકમાં 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 129 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 768 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે 86 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 131 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયા છે. પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી જણાવ્યું છે કે કોવિડ-19ની અનલોક-7ની ગાઈડલાઈનનું નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કરવાનું રહેશે. નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે.
કોરોના સંક્રમણ વધતા સલૂન, મોલ અને એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજારને પાર પહોંચી જતા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંક્રમણ અટકાવવા સલૂન, મોલ અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાત્રીના સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટની હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારના ગંભીર દર્દીઓ વધ્યા
રાજકોટમાં ખાનગી દવાખાનામાં દર્દીઓ દાખલ થવાની સંખ્યા વધી રહી છે અને તબીબોના જણાવ્યા અનુસાર શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી દર્દીઓ આવવા લાગ્યા છે પણ તેઓ ગંભીર બની ચૂક્યા હોય છે. કારણ કે, થોડા દિવસ તેઓ ચેપગ્રસ્ત અવસ્થામાં જ હોય અને રીફર થતા થતા આવે છે. જેને કારણે સ્થિતિ બગડી ચૂકી હોય છે આવા દર્દીઓની સંખ્યા હાલ વધી રહી છે તેથી આગામી 10 દિવસમાં મૃત્યુઆંક પણ વધશે તેવી પૂરી ભીતિ છે. રાજકોટમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
ફાયર વિભાગે પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ સહિત 15ને નોટિસ ફટકારી
રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમા અગ્નિકાંડ બાદ ફાયર સેફટીને લઈને અલગ અલગ હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવારબા સરકારી હોસ્પિટલને ફાયર સેફ્ટીને લઈને નોટિસ આપવામાં આવી છે. ફિજીયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ જોવા મળ્યા ન હતા. જેથી પદ્મકુંવરબા હોસ્પિટલ સહિત 15 અલગ અલગ હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
રાજકોટમાં 92 અને ગ્રામ્યના 313 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર
રાજકોટમાં ગરબીચોક રામનાથપરા, પૂજારા પ્લોટ ભક્તિનગર પાસે, લક્ષ્મી સોસાયટી નાના મૌવા રોડ, આસોપાલવ સોસાયટી કોઠારીયા રોડ, માધવપાર્ક 150 ફૂટ રિંગ રોડ, માસ્તર સોસાયટી સોરઠીયાવાડી પાસે, સમર્થ ટાવર અક્ષર માર્ગ, જસાણી પાર્ક એરપોર્ટ રોડ, સુભાષનગર રૈયા રોડ, બંસી એપાર્ટમેન્ટ સર્વેશ્વર ચોક સહિત 92 વિસ્તાર અને ગ્રામ્યમાં હરીજનવાસ-ખોરાણી, આદમજી રોડ-જસદણ, ખોડીયાર હોટલ પાસે-કાંગશિયાળી, પ્લોટ વિસ્તાર-અરડોઈ, કિસ્મત કોમ્પ્લેક્ષ-પડધરી, રાજપૂત કન્યા છાત્રાલય પાસ- ગોંડલ અને પાણીના ટાંકા પાસે- ધોરાજી સહિત 313 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યાં છે.