મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 19,386 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંર 783 થયો છે. ગત રોજ શહેરમાંથી 116 અને જિલ્લામાંથી 64 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 15,993 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
57 દિવસ બાદ કેસનો આંક 200 નીચે
57 દિવસ બાદ કોરોના પોઝિટિવનો આંક 200ની નીચે આવ્યો છે. અગાઉ 28 જૂને 191 દર્દીઓ નોંધાયા હતા. ત્યારબાદ સતત 200થી વધુ કોરોના પોઝિટિવ નોંધાતા હતા. ગત રોજ શહેરમાં સૌથી વધુ 27 કેસ અઠવા ઝોનમાં નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા કેસ વરાછા એ અને બીમાં 13-13 કેસ નોંધાયા હતા. નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં કાપડના વેપારી, લાકડાના વેપારી, સ્કુલ સંચાલક, જમીન દલાલ, પાલિકા કર્મચારી, પોલીસ કર્મચારીનો સમાવેશ થયો છે.
સિવિલ અને સ્મીમેરમાં કુલ 11 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 136 દર્દીઓ પૈકી 93 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 66 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 76 પૈકી 58 દર્દીઓ ગંભીર છે. 5 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 37 દર્દીઓ ઓક્સિજન પર છે.