સુરત : નવા 23 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1007 પર પહોંચ્યો, વધુ બેના મોત સાથે એક દિવસમાં ત્રણના મોત અને 5 રિકવર થયા

0
0

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 23 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1007 થઈ ગઈ છે. જ્યારે જિલ્લામાં બે દિવસ બાદ એક કેસ નોંધાયો છે. આ સાથે આજે એક દિવસમાં વધુ ત્રણ મોત થતા શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 43 થઈ ગયો છે. જ્યારે આજે વધુ 5 દર્દી રિકવર થતા અત્યાર સુધીમાં કુલ 565 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

વધુ ત્રણના મોત

સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દર્દી અબ્દુલ જલીલ શેખ (ઉ.વ. 54 રહે. 203 રાજનગર સોસાયટી, ભાઠેના)નું મોત થયું છે. અબ્દુલને ગત તા. 5ના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તા. 6ના રોજ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું ગત મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ઉધનામાં દસ્તગીર નગરનાં રહેતા 63 વર્ષીય ઈશરત ભટુર ખાનને ગત રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. દરમિયાન આજે સારવાર દરમિયાન મોત થયું છે. જેમને કિડનીની તકલીફ હતી. અન્ય એક વરાછા વૈશાલી સિનેમા પાસે રહેતા 82 વર્ષીય હિરજીભાઈ બી. વીરોસાને 9 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. દરમિયાન સારવાર દરમિયાન મોત થયું છે. જેમને શ્વસનતંત્રની બીમારી અને આંતરડાનું કેન્સર હતું.

આઠ ઝોન પૈકી સાત ઝોનમાં કેસ નોંધાયા

સુરત શહેરમાં આજે આઠ ઝોન પૈકી સાત ઝોનમાં કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ કતારગામ ઝોનમાં સાત નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 4, વરાછા-એ ઝોનમાં 2, વરાછા-બી ઝોનમાં 1, રાંદેર ઝોનમાં 1, લિંબાયત ઝોનમાં 6, ઉધના ઝોનમાં 1 કેસ નોંધાયો છે.

રાત્રે 12 વાગ્યા પછી શાકભાજી અને ફળોનું વેચાણ કરી શકશે

એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને આજે (બુધવાર) સવારે 7 કલાકથી શાકભાજી, ફળ લાવવાની પરવાનગી અપાઇ છે. પરંતુ તેનું વેચાણ 13મીએ રાત્રે 12 કલાક પછી કરી શકશે.14 મે ના રોજ સવારે 8 કલાકથી કેરીનું વેચાણ કરી શકશે, પરંતુ અગાઉથી નક્કી કરેલો કેરીનો જથ્થો 10 અને 20 કિલોના પૈકીંગમાં જ વેચાણ કરવાનું રહેશે. વેચાણ દરમિયાન કેટલીક શરતો પાલિકા કમિશનરે બનાવી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.  શાકભાજીના છુટક વેચાણ માટે પાલિકા દ્વારા તમામ ઝોનમાં ખુલ્લા પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે પ્લોટ પર તથા પ્લોટની બાજુમાં 80 ફૂટ અથવા 80 ફૂટ થી વધારે પહોળાઈના જાહેર રસ્તા ઉપર ત્રણ કિલો મીટર જેટલા સુધી વેચાણ કરી શકશે. બે લારી, સ્ટોલ, ટેમ્પો વચ્ચે ઓછામાં ઓછું 10 મીટરનું અંતર રાખવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here