સુરત : પોઝિટિવ કેસનો આંક 3718 પર પહોંચ્યો, મૃત્યુઆંક 143 અને કુલ 2439 દર્દી રિકવર થયા

0
6

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો કસી રહ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 3718 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લાનો કોરોનાનો કુલ મૃતાંક 143 થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી 52 અને જિલ્લામાંથી 8 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથઈ રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2439 પર પહોંચી ગઈ છે.

વધુ 30 રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા

શહેર જિલ્લામાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં નવી સિવિલ કોવિડ 19 હોસ્પિટલના ક્રિટિકલ કેર હેડ અને જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડો.સમીર ગામી, સિવિલની વધુ બે નર્સ, સ્મીમેરની એક નર્સ અને ખાનગી હોસ્પિટલની એક નર્સ, એક્ષરે ટેક્નિશિયન, તેમજ ખાનગી હોસ્પિટલની આયા સહિતના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સનો, આરોગ્ય મંત્રી કાનાણીના પૌત્ર તેમજ 30 રત્નકલાકારોનો પણ સમાવેશ થયો છે.

કોવિડ 19ના ક્રિટિકલ કેર હેડ ડો.સમીર ગામી સંક્રમિત થયા
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 હોસ્પિટલમાં ક્રિટિકલ કેર હેડ તેમજ શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડો.સમીર ગામી પણ સંક્રમિત થયા છે. ખાનગી હોસ્પિટલની સાથે સાથે કોવિડ હોસ્પિટલમાં પણ સેવા આપી રહેલા ડો.સમીર ગામીને કોરોનાના લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય મંત્રી કાનાણીના પૌત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર વધુ બાદ 10 વર્ષીય પૌત્ર પણ સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે મંત્રી કાનાણીના પુત્ર વધુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના પુત્ર અને પૌત્રને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના પણ સેમ્પલ લેવાયા હતા. જેમાં પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે સોમવારે પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલની 2, સ્મીમેરની 1 અને ખાનગી હોસ્પિટલની 1 નર્સ તેમજ આયા સંક્રમિત

કતારગામ વિસ્તારમાં રહેતી અને સિવિલમાં ફરજ બજાવતી નર્સ, સિવિલ કેમ્પસમાં રહેતી અને સિવિલમાં ફરજ બજાવતી અન્ય એક નર્સ, વરાછા વિસ્તારમાં રહેતી અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ તેમજ ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સ અને આઈકોન હોસ્પિટલમાં કામ કરતી આયાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાલિકાના હાઈડ્રાલિક વિભાગનો કર્મચારી, શિક્ષક અને પેટ્રોલપંપ કર્મચારી સંક્રમિત

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા પાલિકાના હાઈડ્રોલિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને પણ ચેપ લાગ્યો છે. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ચોપાટી પાસે પેટ્રોલપંપ પર કામ કરતા એક કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગુરુકુળના શિક્ષકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here