કોરોના : સુરત : પોઝિટિવ કેસનો આંક 3896 પર પહોંચ્યો, મૃત્યુઆંક 147 અને કુલ 2507 દર્દી રિકવર થયા

0
4

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, દિવસે દિવસે વકરી રહેલા કોરોનાના કહેરમાં શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3896 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 147 થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી 57 અને જિલ્લામાં 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 2507 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મંગળવારે સામે આવેલા પોઝિટિવ કેસોમાં ખાસ કરીને સિવિલ-સ્મીમેરના એક-એક તબીબ સહિત વધુ 6 તબીબ સંક્રમિત થયા છે. તે સિવાય એક નર્સ, લેબ ટેક્નિશિયન, આશા વર્કર સહિતના હેલ્થ કર્મચારીઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત ટોરેન્ટ પાવરના મેનેજર, પાલિકાના આસી. ઈજનેર, પિપલ્સ બેંકના મેનેજર, જ્વેલર્સ, ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ 57 રત્નકલાકારોનો પણ સમાવેશ થયો છે.

સિવિલ-સ્મીમેરના 2 અને 4 ખાનગી સહિત 6 તબીબ એક નર્સ સંક્રમિત

વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, વરાછા વિસ્તારમાં જ રહેતા અને સદવિચાર હોસ્પિટલના તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા યુનિટી હોસ્પિટલના તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને યુનિક હોસ્પિટલના તબીબ તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને અનુભવ હોસ્પિટલના તબીબને કોરોનાના લક્ષણો બાદ સેમ્પલ લેવાયા હતા. જેમાં તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા લેબ ટેક્નિશિયન, લિંબાયત વિસ્તારમાં રહેતા આશાવર્કર, તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા ફાર્માસીસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ટોરન્ટ પાવરના મેનેજર, પિપલ્સ બેંકના મેનેજર, પાલિકાના આસી.ઈજનેર સંક્રમિત

રાંદેર વિસ્તારમાં રહેતા અને ટોરેન્ટ પાવરના મેનેજર પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં જ રહેતા અને પિપલ્સ બેંકની ભાગળ શાખાના મેનેજર પણ સંક્રમિત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને પાલિકાના લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા આસી.ઈજનેરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

જ્વેલર્સ અને ટેક્સ કન્સલટન્ટ અને કાર શોરૂમના સેલ્સમેનને પણ ચેપ લાગ્યો

વરાછા વિસ્તારમાં રહેતા અને મહિધરપુરા ખાતે જ્વેલર્સ શોપ ધરાવતા જ્વેલર્સ પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં જ રહેતા એક ટેક્સ કન્સલટન્ટ પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને નાણાવટી રિનોલ્ટના સેલ્સમેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

RO રિપેરર, વોશીંગ મશીન ટેક્નિશ્યન સહિતના સુપરસ્પ્રેડર સંક્રમિત

વરાછા વિસ્તારમાં RO ફિલ્ટર રિપેર કરનાર સંક્રમિત થયો છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં મીનરલ વોટરની ડીલીવરી કરનારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે લિંબાયત વિસ્તારમાં રહેતા અને વોશીંગ મશીન રિપેર કરનાર પણ સંક્રમિત થયા છે.