ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહી પિતા-પુત્રની નજર ચૂકવી ગઠીયો બેગ ચોરી પલાયન

0
4

અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલના ગેટ પાસે કોન્ટ્રાકટર તેના પુત્ર સાથે કારમાં બેઠા હતા ત્યારે એક ગઠીયાએ આવીને કહ્યું કે તમારી ગાડીમાં ઓઇલ ટપકે છે તેમ કહેતાં પિતા-પુત્ર જોવા ગયાને ગઠીયો નજર ચૂકવી બ્રેઝા કારની પાછળની સીટ પર મૂકેલ બેગમાં ચાલીસ હજાર રોકડા, સોનાની વીંટી અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર થઇ ગયો છે. આ મામલે કોન્ટ્રાક્ટરે શાહિબાગ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા ધીરુભાઈ પરમારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલે સવારના સમયે તેઓ પુત્ર સાથે બ્રેઝા કારમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બેઠા હતા. તે દરમિયાન તેમની પાસે એક ગઠીયાએ આવીને કહ્યું કે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે. જેથી પિતા-પુત્રએ કારનું બોનેટ ખોલી તપાસ કરતાં કંઈ ખામી જોવા મળી ન હતી. ત્યાર બાદ તે ગાડીનું બોનેટ બંધ કરી ગાડીમાં બેસવા ગયા ત્યારે તેમણે તે વખતે જોયું તો કારની પાછળની સીટ પર મૂકેલ બેગ ગાયબ હતી.

બેગમાં ચાલીસ હજાર રોકડા, એસબીઆઈની ચેકબુક, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, પોણા તોલાની સોનાની વીંટી પિતા-પુત્રની નજર ચૂકવીને ગઠીયો બેગ લઇ ફરાર થઇ ગયો હતો. કોન્ટ્રાકટરે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, અગાઉ પણ ગાડી પર ગંદૂ પડ્યું છે કહી સંખ્યાબંધ જગ્યાએ ટોળકીએ લૂંટ મચાવી છે, ત્યારે પોલીસ સામે પણ આવા લોકોને પકડવા પડકાર સમાન થઇ ગયું છે.