પોલીસ કર્મચારીઓના હેલ્થની ચિંતા માત્ર પરિપત્ર પરઃ એકમાત્ર જિમને તાળાં વાગ્યાં

0
95

(અહેવાલ : રવિ કાયસ્થ )

સતત કામમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે, જેથી પોલીસ જવાનોના હેલ્થને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા ફિટનેસ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર માત્ર નામ પૂરતો જ હોય તેમ લાગે છે, કારણ કે ગુનાનો ભેદ ઉકેલવામાં તેમજ વીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ તણાવમુક્ત રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ગત વર્ષે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ જિમ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેને આજે તાળાં વાગી ગયાં છે.

પોલીસ સ્ટેશનમાં બનાવેલા જિમનો ઉપયોગ માત્ર ગણતરીના પોલીસ કર્મચારીઓ કરે છે, જેના કારણે મોટા ભાગે આ જિમને તાળું મારી રાખવામાં આવે છે. જિમમાં કોઇ ફિટનેસ ટ્રેનર નહીં હોવાથી તેનો રામભરોસે ઉપયોગ કરવામાં આવે છે.

ડિજિટલ ઇન્ડિયામાં શહેર પોલીસ ધીમે ધીમે હાઇટેક બનીને પેપરલેસ કામ તરફ આગળ વધી રહી છે. પોલીસ કર્મચારીઓ અવનવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુનાના ભેદ ઉકેલી રહ્યા છે તો બીજી તરફ વીવીઆઇપીના બંદોબસ્તનું ભારણ પણ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓની હેલ્થ સુધરવાની જગ્યાએ બગડી રહી છે.

યોગ અને કસરતથી અનેક બીમારીના ઈલાજ થઈ શકે છે, જેથી સતત કામમાં વ્યસ્ત રહી તણાવગ્રસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ એકસર્સાઈઝ કરીને આરોગ્ય જાળવી રાખે તે માટે પોલીસને ટ્રેનિંગ દરમિયાનપણ યોગ અને કસરત કરાવવામાં આવતી હોય છે. બાદમાં રૂ‌િટન ફરજના કારણે ફિટનેસ બાબતે કાળજી લેવામાં આવતી નથી.

પોલીસ જવાનોની જીવનશૈલીની વાત કરીએ તો તડકો-છાંયડો હોય કે પછી વરસાદ તેઓ સતત બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં રહે છે. ખાવા-પીવાની અનિય‌િમતતા, તણાવ અને કસરતના અભાવના કારણે બહુ જલદી વિવિધ બીમારીનો ભોગ બને છે.

તાજેતરમાં માર્ચ-ર૦૧૮થી એપ્રિલ-ર૦૧૯ દરમિયાન પોલીસ વેલ્ફેર હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમિયાન ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. કુલ ૬૧૪૭ જેટલા પોલીસ કર્મચારીઓનાં મેડિકલ ચેકઅપ થયાં હતાં, જેમાં ૩૯૧૭ જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા.

૭૦૩ પોલીસ કર્મચારીઓ વ્યસનને લઇ બીમાર હતા ત્યારે ૧૧પપ પોલીસ કર્મચારી ગંભીર બીમારીથી પીડાય છે તો બીજી તરફ ૭૭પ કર્મચારી હાઇપરટેન્શન કે હૃદયની બીમારીનો શિકાર છે. ૩૮૦ પોલીસ કર્મચારીઓ ડાયાબિટીસસાથે જીવી રહ્યા છે જ્યારે ર૪૯ પોલીસ કર્મચારીઓમાં પાંડુરોગ કે લોહીની ઊણપ દેખાઈ છે.

રાજ્યના પોલીસવડાએ પોલીસ કર્મચારીઓના હેલ્થને લઇ પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશનમાં જિમની સુવિધા સાથે જન્યૂટ્રિશનકે ફિટનેસ એક્સ્પર્ટની મદદ લેવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

પોલીસવડા પરિપત્ર કરે છે, પરંતુ પોલીસ કર્મચારી નિય‌િમત રીતે કસરત કરી શકે તે માટેનું કોઇ આયોજન કરાતું નથી અને કેટલાક પોલીસ કર્મચારીઓને કસરત માટે જવું હોય તો તેમને સમય મળતો નથી તેમજ કસરત માટે સમય કાઢી શકે તેનો સમય પણ નક્કી કરવામાં આવતો નથી.

કસરત કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પણ અપાતું નથી. કેટલાક પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પોતાની રીતે સમય ફાળવીને પોલીસ સ્ટે‌િડયમ તેમજ અલગ અલગ જગ્યા પર કસરત કરતા હોય છે.

ગત વર્ષે સરદારનગર પોલીસ સ્ટેશનના ત્રીજા માળે ખાસ પોલીસ કર્મચારીઓ માટે જિમ બનાવવામાં આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા જિમનાં તમામ સાધન વસાવામાં આવ્યા છે, જેને હવે તાળાં મારવાનો વારો આવ્યો છે. પોલીસ સ્ટેશનના એકાદ-બે પોલીસ કર્મચારીઓ આ જિમનો ઉપયોગ કરે છે, બાકી તો તે મોટા ભાગે બંધ હાલતમાં હોય છે.

આ જિમ ચાલુ કરવાનો ઉદ્દેશ પોલીસ કર્મચારીઓની ફિટનેસ જળવાઇ રહે તે માટેનો હતો. આ મામલે ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું છે કે જિમનો ઉપયોગ જેને કરવો હોય તે કરે છે. જિમમાં કોઇ પણ ટ્રેનર નથી, જેના કારણે કસરત કેવી રીતે કરવી તેની પોલીસ કર્મચારીઓને ખબર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here