તેલંગાણા, ગુજરાત અને પંજાબના સંગઠનમાં ટૂંક સમયમાં ફેરફાર થશે

0
0

આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે પણ તૈયારી શરૂ કરી દીધી છે. તેલંગાણા, પંજાબ અને ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC)માં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. આ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ પણ બદલવામાં આવી શકે છે. શનિવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અનેક નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ પૈકી કેટલાક નેતાઓએ પાર્ટીમાં આંતરિક સ્તર પર ફેરફારની વાત કહી હતી.

ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં તેલંગાણાના પ્રભારી અને સાંસદ મનિકમ ટેગોરે કહ્યું હતું કે તેલંગાણામાં PCC વડાને બદલવાની તૈયારી શરૂ થઈ ચુકી છે. પ્રદેશના પાર્ટી પ્રમુખ ઉત્તમ કુમાર રેડ્ડીએ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના ખરાબ દેખાવ બદલ રાજીનામુ આપી દીધુ હતું. તેલંગાણાના 160 નેતા સાથે વાતચીત બાદ સોનિયા ગાંધીને એક અહેવાલ સોંપવામાં આવ્યો છે.

પંજાબની સ્થિતિ
રાજ્યમાં કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે જણાવ્યું હતું કે PCC પોતાનું ચોક્કસ સ્થાન ધરાવે છે, પણ જિલ્લા સમિતિઓની તૈયારી ચાલી રહી છે. તે ટૂંક સમયમાં બની જશે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે નવા કાયદાને લઈ ઉકેલ આવી જશે એટલે જિલ્લા સમિતિની રચના કરી લેવામાં આવશે.

ગુજરાતની સ્થિતિ
ગુજરાતની કામગીરી સંભાળી રહેલા એક નેતાએ માહિતી આપી હતી કે ડિસેમ્બરના અંત ભાગ સુધીમાં ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ નક્કી થઈ જશે. તાજેતરમાં જ મુંબઈ પ્રાદેશિક સમિતિ અને મણિપુરના પ્રદેશ અધ્યક્ષને લઈ ફેરફાર કરવામાં આવ્યો હતો.

ગઈકાલે 5 કલાક ચર્ચા થઈ હતી
સોનિયા ગાંધીએ શનિવારે કોંગ્રેસથી નારાજ નેતાઓ સાથે આશરે 5 કલાક સુધી ચર્ચા કરી હતી. આ સમયે રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પાર્ટીના નેતાઓની ફરિયાદો સાંભળવામાં આવી હતી, આગામી ચૂંટણીને લગતી રણનીતિ તથા નવા પાર્ટી અધ્યક્ષ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ટૂંક સમયમાં એક ચિંતન શિબિરનું આયોજન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ચિંતન શિબિરમાં હવે પછીની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠક સમયે રાહુલ ગાંધીએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા અને નારાજ નેતાઓને મનાવવા માટે સંપૂર્ણપણે પ્રયત્ન કર્યો હતો.

પાર્ટીને રાહુલની લીડરશિપની જરૂર
કોંગ્રેસના સિનિયર લીડર પવન બંસલના જણાવ્યા પ્રમાણે બેઠકમાં તમામ નેતાએ પાર્ટીને રાહુલના લીડરશિપની જરૂર હોવાની વાત કરી હતી. આપણે એવા લોકો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ નહીં કે જે એજન્ડાથી અન્યત્ર ધ્યાન દોરવા ઈચ્છે છે.

શનિવારે બેઠકમાં ભાગ લેવા માટે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, રાજ્યસભાના સભ્ય આનંદ શર્મા, હરિયાણાના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા, ભૂતપુર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમ તથા ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી અંબિકા સોની 10 જનપથ પહોંચ્યા હતા.

નેતાઓએ સોનિયાને પત્ર પણ લખ્યો હતો
કેટલાક મહિના અગાઉ પાર્ટીના 23 નેતાએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. કપિલ સિબ્બલ ઉપરાંત ગુલામ નબી આઝાદનો પણ તેમા સમાવેશ થતો હતો. આ પત્રમાં પક્ષમાં મોટાપાયે ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here