PCBએ 240 ખેલાડીઓ સહિત ઘણા અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ માટે પૈસા માગ્યા, બોર્ડ પાસે લેબ અને હોસ્પિટલની સુવિધા પણ નથી

0
5

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની કોરોનાને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. બોર્ડે હવે ઘરેલૂ ટૂર્નામેન્ટમાં રમનાર 240 ખેલાડીઓ અને અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ કરાવવા માટે પૈસા માગ્યા છે. સૂત્રોનું માનીએ તો બોર્ડ પાસે કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી અને હોસ્પિટલની સુવિધા પણ નથી.

પાકિસ્તાનમાં 30 સપ્ટેમ્બરથી રાવલપિંડી અને મુલ્તાનમાં નેશનલ T-20 ચેમ્પિયનશિપ શરૂ થવાની છે. તે માટે ખેલાડીઓ અને અધિકારીઓએ શરૂઆતી બે કોરોના ટેસ્ટ કરાવવા અનિવાર્ય છે. PCBએ કહ્યું કે, પહેલા ટેસ્ટના રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા ટેસ્ટનો ખર્ચો બોર્ડ ઉઠાવશે.

PCBને સ્પોન્સર પણ નહોતો મળતો

 • કોરોનાને કારણે પાકિસ્તાનની તમામ ક્રિકેટ શ્રેણી મોકૂફ રાખવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની યજમાની થનાર એશિયા કપ પણ મુલતવી થતા બોર્ડને નોંધપાત્ર નુકસાન થયું હતું.
 • પરિસ્થિતિ એ હતી કે પાકિસ્તાનને જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નહોતો મળતો.
 • પેપ્સી અને મોબાઈલ કંપની ‘ઈઝી પૈસા’ એ અંતિમ ઘડીએ સ્થિતિ સંભાળી અને કોન્ટ્રાક્ટ વધાર્યો.

PCBએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા

 • આર્થિક સમસ્યાને કારણે PCBએ તાજેતરમાં જ તેના પાંચ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા.
 • બોર્ડ હાલમાં 800 જેટલા લોકોને રોજગારી આપે છે. બધાના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે.
 • PCBએ બિનજરૂરી અને નબળું પ્રદર્શન કરનાર કર્મચારીને કાઢવાની તૈયારી કરી લીધી છે.
 • PCBના એક અધિકારીએ કહ્યું હતું કે બોર્ડની આર્થિક સ્થિતિ સારી નથી. જો આ જ સ્થિતિ યથાવત રહે તો PCB વધુમાં વધુ 2થી 3 વર્ષ સુધી જ ટકી શકે છે.

ભારત સામેની શ્રેણી રદ થતા 663 કરોડનું નુકસાન થયું

 • મીડિયા અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી ન થવાને કારણે PCBને લગભગ 90 મિલિયન ડોલર (આશરે 663 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે ક્રિકેટ રમવામાં આવી રહ્યું નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે 7 વર્ષથી શ્રેણી રમાઈ નથી

 • 3 વનડે મેચની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ભારતને તેના જ ઘરઆંગણે 1-2થી હરાવ્યું હતું.
 • મેચની વાત કરીએ તો ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં બંને ટીમોની મેચ થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દર વખતેની જેમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી.

ભારત-પાક. શ્રેણીથી 2 હજાર કરોડ રૂપિયાની આવક શક્ય

 • તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા ભારત સાથે શ્રેણીની વાત કરી હતી.
 • તેમણે કહ્યું હતું કે, “હું ઈચ્છું છું કે સંકટના આ સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ખાલી સ્ટેડિયમમાં મેચ થાય.”
 • જો બંને દેશો વચ્ચે 3 વનડે અથવા T-20 શ્રેણી થાય તો કરોડો લોકો તેને ઘરે બેઠા જોશે. ઘણી કંપનીઓ આના પર નાણાંનું રોકાણ કરશે.
 • તેનાથી 200થી 300 મિલિયન ડોલર (લગભગ 1500 થી 2 હજાર કરોડ રૂપિયા)ની કમાણી થશે, જે બંને દેશો 50-50% રાખી શકે છે. “

પાકિસ્તાનમાં 2009ના આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંધ

 • 2009માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો.
 • ત્યારબાદ આતંકવાદી ડરને કારણે પાકિસ્તાનમાં ક્રિકેટ બંધ છે. ઘરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ગેરહાજરીને કારણે PCBને 11 વર્ષથી મોટું આર્થિક નુકસાન થયું છે.
 • જોકે, 10 વર્ષ પછી 2019માં શ્રીલંકાની ટીમે પાકિસ્તાન પ્રવાસ પર 2 ટેસ્ટની શ્રેણી રમી હતી.