વિવાદ : તકિયાથી માથાનો દુખાવો મટાડવાનું તૂત ચલાવનાર ‘પિલોમેન’ હવે કોરોનાની દવા લાવશે, મિત્ર ટ્રમ્પની તરફેણથી લોકો ભડક્યા

0
4

કોરોનાની સારવાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી દવાને પ્રમોટ કરવા ઇચ્છે છે કે જેનો કોઇ વૈજ્ઞાનિક આધાર કે ટેસ્ટ રિપોર્ટ નથી. આ દવા રજૂ કરનારા બિઝનેસમેન માઇક લિન્ડેલ ટ્રમ્પના કટ્ટર સમર્થક છે અને અમેરિકામાં ‘પિલોમેન’ તરીકે ઓળખાય છે. મૂળે ટ્રમ્પ લિન્ડેલની દવાને ડાયેટરી સપ્લીમેન્ટ કે કોરોનાની સારવાર તરીકે એપ્રૂવ કરવા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પર દબાણ કરી રહ્યા છે. જોકે, આ દવા કારગત નિવડશે કે નહીં તેના લિન્ડેલ પાસે કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ દવા પીળા કરેણના છોડમાંથી બનાવાઇ છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણી પૂર્વે ટ્રમ્પ દ્વારા આ દવાનું સમર્થન કરાતાં અમેરિકામાં ઠેર-ઠેર તેનો વિરોધ શરૂ થઇ ગયો છે.

વ્હાઇટ હાઉસના સૂત્રોનું કહેવું છે કે જુલાઇમાં લિન્ડેલ અને અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટના સચિવ બેન કાર્સનની ટ્રમ્પ સાથે એક મીટિંગ થઇ હતી, જેમાં ટ્રમ્પને ‘ઓલિએન્ડ્રીન’ નામની દવાથી વાકેફ કરાયા હતા. લિન્ડેલે તાજેતરમાં સીએનએનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ટ્રમ્પે મીટિંગ બાદ કહ્યું હતું કે એફડીએએ આ દવાને મંજૂરી આપવી જોઇએ, તે કારગત છે. એફડીએએ આ અગાઉ કોરોનાની સારવાર માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદી દીધો હતો.

લિન્ડેલ બોગસ દાવા કરીને લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે

માઇક લિન્ડેલ તકિયા બનાવતી કંપની માય પિલોનો સીઇઓ છે. તેની સામે બોગસ દાવા કરીને ગ્રાહકોને છેતરવાના આરોપ થતા રહે છે. તાજેતરમાં બોગસ દાવાના એક કેસમાં તેણે 7.5 કરોડ રૂ. વળતર ચૂકવવું પડ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેણે બનાવેલા તકિયાના ઉપયોગથી માઇગ્રેન જેવી બીમારી તેમ જ માથાનો દુખાવો પણ નથી થતો. દાવાના આધારે ઘણા લોકોએ તકિયા ખરીદયા પણ તેનાથી આરામ ન મળતાં તેમણે લિન્ડેલ સામે છેતરપિંડીના કેસ કરવાનું શરૂ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here