સ્પાઇસ જેટે દિલ્હીથી ઉડતી તેની ફ્લાઇટના મુસાફરોને સરપ્રાઇઝ આપીને ચોંકાવી દીધા. ફ્લાઇટ ટેક ઓફ કરતા પહેલા વિમાનમાં “બલમ પિચકારી” ગીત વાગ્યું અને પછી જે થયું કે વીડિયો જોઈને પણ તમને મજા આવી જશે.
જેટ તેના મુસાફરો માટે એક ખાસ સરપ્રાઇઝ લઈને આવ્યું. સ્પાઇસ જેટે પોતાના મુસાફરોને હોળીની આ રંગીન સફર પર લઈ જવા માટે એવું કંઈક કર્યું, કે જે મુસાફરોના હૃદયને તો સ્પર્શી જ ગયું, પરંતુ તેમની સફરને યાદગાર પણ બનાવી દીધી. સ્પાઇસ જેટના આ સરપ્રાઇઝથી મુસાફરોની મુસાફરી એક ન ભૂલાય એવી યાદગાર મુસાફરી બની ગઈ અને સાથે જ સમગ્ર મુસાફરી દરમિયાન હોળીની ઉજવણીનો માહોલ જળવાઈ રહ્યો.
ગુરુવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ટેક ઓફ થતી ફ્લાઇટનો માહોલ કંઈક અલગ જ હતો. ગઈકાલ સુધી જે એરહોસ્ટેસ હાથ જોડીને મુસાફરોનું અભિવાદ કરતી અને ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ કહેતી હતી, તેમના હાથમાં ચંદનનું તિલક હતું. તેઓ ચંદનનું તિલક લગાવીને વિમાનમાં પ્રવેશતા તમામ મુસાફરોનું સ્વાગત કરી રહ્યા હતા. મુસાફરો માટે સ્પાઇસ જેટનું આ સરપ્રાઇઝ અહીં જ ખતમ થયું નહીં.
ગેટ બંધ થાય તે પહેલાં, બ્લુ જીન્સ અને સફેદ કુર્તા પહેરેલી અને ગુલાલથી રંગાયેલી કેટલીક એર હોસ્ટેસ વિમાનમાં એન્ટર થઈ અને “બલમ પિચકારી…” ગીત વાગવા લાગ્યું. કદાચ મુસાફરોનો આ પહેલો અનુભવ હશે જ્યારે તેમણે મુસાફરી દરમિયાન વિમાનની અંદર એર હોસ્ટેસનું આટલું શાનદાર પરફોર્મન્સ જોયું હશે. મુસાફરોએ પણ તાળીઓ પાડીને એર હોસ્ટેસના પરફોર્મન્સના વખાણ કર્યા અને પોતે પણ આ મસ્તીમાં જોડાઈ ગયા.
સ્પાઇસ જેટનું સરપ્રાઇઝ અહીં જ ખતમ ન થયું, પરંતુ ફ્લાઇટ દરમિયાન મુસાફરોને સ્વાદિષ્ટ ગુજિયા સાથે હોળીની મીઠાઈઓ પણ આપવામાં આવી, જેણે સમગ્ર વાતાવરણમાં મીઠાશ ઉમેરી દીધી હતી. એરલાઇન્સના જણાવ્યા અનુસાર, સલામતીને ધ્યાનમાં રાખીને પરફોર્મન્સ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવ્યું હતું, જ્યારે વિમાનના દરવાજા ખુલ્લા હતા જેથી દરેક મુસાફર તેનો સંપૂર્ણ અનુભવ કરી શકે.