રાજકોટ : પોલીસ કોન્સ્ટેબલ રાત્રે 3 વાગ્યે જીવના જોખમે દારૂ ભરેલી બોલેરોમાં ચડ્યા : ચાલકનો કચડવાનો પ્રયાસ, 1 કલાક ફંગોળાયા છતાં દારૂ ઝડપ્યો.

0
0

રાજકોટમાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે ત્રણ વાગે પેટ્રોલિંગ દરમિયાન સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. આથી બોલેરોચાલકે તેને કચડવાનો પ્રયાસ કરવા સર્પાકાર બોલેરો ચલાવી હતી. જેમાં સ્નેહભાઈ બોલેરોના ઠાઠામાં એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે થડાઈ હતી અને ચાલક ભાગી ગયો હતો. પરંતું ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.

બોલેરો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી કોન્સ્ટેબલને મળી હતી

કોન્સ્ટેબલ સ્નેહભાઈએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવ્યું હતું કે, 11 ઓક્ટોબરે રાત્રે ત્રણ વાગ્યે અમારી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન આજીડેમ ચોકડી માનસરોવર સોસાયટી નજીક જયશ્રી દ્વારકાધીશ લખેલી બોલેરો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. એટલું જ નહીં ત્યાં પહોંચતા બાતમી મુજબની બોલેરો ઉભી હતી. પરંતુ અમને જોઈને એક શખ્સે ડ્રાઇવર સીટ પર બેસી બોલેરો દોડાવી દીધી હતી.

કોન્સ્ટેબલ પાછળથી પડી જાય તે માટે ચાલક બોલેરો સર્પાકાર ચલાવી રહ્યો હતો

આ દરમિયાન હું બોલેરોની પાછળ હતો. મેં ચાલકને ઉભા રહેવા સુચના આપી હતી. પરંતુ તેણે મને પણ કચડી નાખવાના ઈરાદે ગાડી રિવર્સમાં દોડાવતાં જ હું ASIની સ્કોડા અને બોલેરોની વચ્ચે ફસાઈ ગયો હતો. જો કે સમયસર કુદીને હું બોલેરો પીકઅપનાં ઠાઠામાં ચડી ગયો હતો. અને ચાલકને પોલીસ હોવાની ઓળખ પણ આપી હતી. પરંતુ તેમ છતાં તેણે બોલેરો ભગાવી મૂકી હતી. એટલું જ નહીં હું પાછળથી પડી જાઉ એ માટે થઇને તેણે સર્પાકારે ફુલ સ્પીડથી ગાડી હંકારતા જ હું ઠાઠામાં આમતેમ ફંગોળાતો રહ્યો હતો. જેથી હું લોખંડના એંગલમાં ભટકાતાં બંને આંખ વચ્ચે નાક પર ઇજા થતાં લોહી નીકળવા માંડ્યું હતું.

પાના વડે કોન્સ્ટેબલે બંને સાઈડના દરવાજાના કાચ ફોડી નાખ્યા હતા

આ દરમિયાન ઠાઠામાં એક પાનુ પડ્યું હોય તે ઉઠાવી મેં ડ્રાઇવર સાઇડ તથા ખાલી સાઇડના બંને દરવાજાનાં કાચ ફોડીને પણ ગાડી ઉભી રાખવા કહ્યું હતું. પરંતુ તે માન્યો નહીં અને અંતે બગદળીયા ગામથી કરમાળ પીપળીયા જતાં રસ્તે વળાંક આવતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોડ સાઇડમાં ઉતરી ઝાડમાં ભટકાઇ ગઇ હતી. આ વખતે ચાલકને ઇજા થઇ હતી. આમ છતાં તે ત્યાંથી ગાડી મૂકી ભાગી ગયો હતો. જો કે પાછળ PSI સહિત અમારી ટીમ પણ આવી જતા તેને ઝડપી પાડ્યો હતો.

બોલેરોમાંથી વિદેશી દારૂની 84 બોટલ અને 144 બિયરના ટીન મળી આવ્યા

બીજી તરફ ઝાડમાં ભટકાયેલી બોલરોમાંથી વિદેશી દારૂની 84 બોટલો મળી હતી. જેમાંથી 3 ફુટેલી હતી અને બીયરના 144 ટીન હતાં. જેમાંથી 5 ફુટી ગયેલા હતાં. આમ કુલ રૂ. 42250નો દારૂ -બીયર તથા ગાડી કબ્જે કરાયા હતા. પીકઅપ ગાડીની કેબીનમાંથી રમેશ રાણાભાઇ ગરૈયાનાં નામનું ડ્રાઇવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ મળ્યા હતા જેના આધારે વધુ તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે. બોલેરો કારનાં ચાલકને ફ્રેકચર થતા સારવાર માટે ખસેડાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here