અમદાવાદ ના વટવાથી સાયકલ લઈ ગાંધીનગર આવી ચડેલા કિશોરનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.

0
10

માતાએ ભણવા બાબતે ઠપકો આપતા અમદાવાદના વટવાનો કિશોર સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો જે ગઈકાલે મધરાત્રીએ ગાંધીનગરના ચરેડી વિસ્તાર માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓની સતર્કતાના કારણે આજે કિશોરનું પરિવાર સાથે મિલન શક્ય બન્યું હતું.

અડધી રાત્રે સાયકલ પર કિશોરને જોઇ પોલીસે પૂછપરછ કરી

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથક ની પીસીઆર વાન ટુના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાંતિભાઈ તથા ડ્રાઇવર ઇશ્વરભાઇ મોતીભાઈ ગઈકાલે મધરાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પેથાપુર ચોકડી તરફથી ચરેડી ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર એક કિશોર સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો અડધી રાત્રે કિશોર સાયકલ ઉપર જતો હોય પોલીસ જવાનોએ તેને રોકીને પ્રાથમિક પૂછપરછ કરી હતી.

શરૂઆતમાં કિશોરે પોલીસને સંતોષકારક જવાબ ન આપતાં પોલીસ જવાનોએ મિત્રતા કેળવી કિશોરની સાથે વાતચીત કરી હતી, ત્યારે માતાએ ઠપકો આપતા મિત્રના ઘરે ચોપડી લેવા જવાનું કહીં ઘરેથી સાયકલ લઈને ગઈકાલે નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. આથી પરિસ્થિતિ પારખી ગયેલા બંને જવાનો કિશોરને લઇ સેક્ટર-21 પોલીસ મથકે લઈ આવ્યા હતા.

વટવા પોલીસનો સંપર્ક કરી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

પોલીસ જવાનો મિત્ર બની ગયાનો અહેસાસ થતાં કિશોરે કકડીને ભૂખ લાગ્યાંની વાત કરી હતી, જેથી પોલીસ જવાનો એ મધરાતે કિશોરને ભરપેટ જમાડ્યો હતો અને મિત્રતા કેળવી વાતો વાતોમાં કિશોર પાસેથી તેનું સરનામું જાણી લીધું હતું. કિશોર અમદાવાદના વટવામાં આવેલ સુવર્ણ પુરી સોસાયટીમાં રહેતા ધનેશભાઈ રામકિશન યાદવનો પુત્ર હતો. બાદમાં ગાંધીનગર પોલીસે વટવા પોલીસનો સંપર્ક કરી કિશોર મળી આવ્યાની જાણ કરી હતી, ત્યારે આજે સવારે કિશોરના માતા પિતા તેને લેવા ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે ગયા હતા અને કિશોરને લઇ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here