શહેરના ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટ્સમાં પીસીબીએ ગત રાત્રીએ દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે દરોડા પાડયો હતો. જેમાં પોલીસને પાંચ બોટલો વિદેશી દારૂ મળવાની સાથે તપાસ કરતા આઇપીએલ પર રમાડતો વ્યક્તિ પણ મળી આવ્યો હતો.પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટ્સમાં ૧૦૨ નંબરની શોપમાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.
જેના આધારે તપાસ કરતા પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો. જે અંગે જીગર પટેલ (રહે. સીપી નગર, ઘાટલોડિયા)ની પુછપરછ કરતા તે દારૂનો જથ્થો છારાનગરમાંથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જીગરની સાથે પોલીસને કામેશ દરજી (રહે. પંચવટી એપાર્ટમેન્ટ,નારણપુરા) નામનો યુવક હાજર હતો. શંકાને આધારે તેનો મોબાઇલ ફોન તપાસતા તે આઇપીએલ પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તે ગ્રાહકોની યાદી સાથે સોદાના પાડતો હતો. સટ્ટા માટેનું આઇડી તેણે સોશિયલ મિડીયાથી સંપર્કમા ંઆવેલા વ્યક્તિ પાસેથી ખરીદી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સોલા પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.