રાજકોટ : પોસ્ટ વિભાગે એક જ દિવસમાં 5 કરોડની વીમા પોલિસી ઈશ્યૂ કરી

0
3

રાજકોટ પોસ્ટલ ડિવિઝનમાં તારીખ 9થી 15 ઓક્ટોબર દરમિયાન ‘નેશનલ પોસ્ટલ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન તારીખ 12ને સોમવારે પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ દિવસની ઉજવણી અંતર્ગત આ એક જ દિવસમાં રાજકોટ પોસ્ટલ ડિવિઝને 5 કરોડ રૂપિયાની વીમા પોલિસી વહેંચી રેકોર્ડ સર્જ્યો હતો. 9મીએ વિશ્વ ટપાલ દિવસ, 10મીએ બેન્કિંગ દિવસ, 12મીએ પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ દિવસ, 13મીએ ફિલાટેલી દિવસ, 14મીએ બિઝનેસ ડેવલપમેન્ટ દિવસ, 15મીએ મેલ્સ દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત પોસ્ટ વિભાગે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો પ્રચાર-પ્રસાર કરવા માટે જિલ્લાના 3 હજાર વાલીઓને આ યોજના અંગેની માહિતી આપતા એસએમએસ કર્યા હતા.

રાજકોટ પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ એમ.કે પરમારે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ મારફત જાહેર જનતાને સરળતાથી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે હેતુથી ‘કોમન સર્વિસ સેન્ટર’ની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં ડિજિટલ સેવાઓ જેવી કે પાનકાર્ડ, પાસપોર્ટ, જન્મ/મરણ સર્ટિ, આયુષ્યમાન ભારત યોજના, રેલવે બુકિંગનો લાભ સરળતાથી મળી શકશે. આ ઉપરાંત ચૂંટણીકાર્ડ સંબંધિત સેવાઓનો લાભ પણ પોસ્ટ ઓફિસમાં મળી શકશે. તાજેતરમાં જ કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન ભારતીય ટપાલ વિભાગની લોજિસ્ટિક સેવાને બિરદાવવામાં આવી છે. IPPB (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક) સેવા પણ લોકોને ઘેર ઘેર પેમેન્ટ પહોંચાડવા અને ડિજિટલ બેન્કિંગ સેવામાં ઉપયોગી સાબિત થઇ રહી છે.