- Advertisement -
હળવદ પંથકમાં નહીંવત વરસાદના કારણે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે ત્યારે તાલુકાના ૪૧ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વધુ હોવાથી હળવદ તાલુકા પંચાયત પ્રમુખે રાજયના મંત્રી તેમજ પ્રભારીને બોર બનાવવા માટે તેમજ શકય હોય તે ગામોમાં નર્મદાનું પાણી આપવા રજુઆત કરી હતી. જેને પગલે રાજય સરકાર દ્વારા હાલ તાલુકાના જુદાજુદા ૯ ગામમાં બોર બનાવવા મંજુરી અપાઈ છે. જયારે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સર્વે કરી કામગીરી હાથ ધરાઈ છે.
રાજયના મોટા ભાગના તાલુકા સહિત હળવદમાં નહીવત વરસાદ થતા રાજય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે ઉપરાંત હળવદ તાલુકાના અડધા ગામોમાં પીવાના પાણીનો પોકાર ઉઠવા પામ્યુ છે ત્યારે પંથકના ૪૧ ગામોમાં પાણીની સમસ્યા વધુ હોવાથી હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ રાજય મંત્રી સૌરભભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયાને લેખિત રજુઆત કરી. જેમાં હળવદ તાલુકાના માથક, મેરૂપર, સુંદરીભવાની, રાયધ્રા, રાયસંગપુર, ગોલાસણ, મીયાણી, રાણેકપર, મયુરનગર સહિત ૯ ગામોમાં પીવાના પાણી માટે બોર બનાવવાની મંજુરી આપવામાં આવી છે. વધુમાં તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રભારી અને રાજય મંત્રીને શકય હોય તે ગામોમાં નર્મદાનું પાણી આપવા પણ રજુઆત કરી હતી. જયારે રજુઆતના પગલે તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં રાજય સરકારની ટીમ દ્વારા હાલ સર્વે હાથ ધરી કામગીરી આરંભી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી