વલસાડ : ધરમપુરના કાળા રામજી મંદિરમાં આમરણ ઉપવાસ પર બેસેલા પુજારીએ પોલીસ અને મામલતદાર સાથે બેઠક બાદ પારણા કર્યા.

0
22

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ વર્ષો જુના કાળા રામજી મંદિરનો વિવાદ વધુ વકર્યો હતો. મંદિરના પુજારીએ ન્યાયની લડત ચલાવવા માટે છેલ્લા સાત દિવસથી આમરણાત ઉપવાસ પર બેઠા હતા. જ્યારે આજે 8 વાગ્યે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જેથી મામલતદાર અને પોલીસ દ્વારા પુજારી સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ પુજારીએ પારણા કરી લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ધરમપુરના કાળા રામજી મંદિર ટ્રસ્ટના રૂમો એક સંસ્થાને જાળવણી માટે અપાયા હોવાના તંત્રના નિર્ણય સામે મંદિરના પુજારી વિરોધ નોંધાવી રહ્યા હતા.

સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર કાળા રામજી મંદિર હાલ સાચવણી માટે સરકાર હસ્તક છે. સ્થાનિક મામલતદાર પાસે આ મંદિરનો કારભાર છે. ત્યારે અહીં આવેલ રાજચન્દ્ર ટ્રસ્ટ દ્વારા તેમના ભગવાન રાજચન્દ્ર અહીં આવી પહેલા રોકાયા હતા. જે મંદિરના ઓરડામાં એ રોકાયા હતા એ મંદિરના ઓરડાનું સમારકામ માટે રાજચન્દ્ર ટ્રસ્ટ દ્વારા મામલતદાર પાસે માંગણી કરીને ત્યાં મૂર્તિ મૂકી ધાર્મિક ગતિવિધિઓ શરૂ કરી દેતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

ડીવાયએસપી, મામલતદાર, ધરમપુર પીઆઈએ પુજારી સાથે બેઠક કરી

વર્ષોથી પેઢી દર પેઢીથી મંદિરની સાચવણી કરતા આવેલ પુજારીએ પહેલાં ગ્રામજનોનો હક મંદિર પર હોય બહારથી આવેલા લોકોને મંદિર કેવી રીતે સુપરત કરવું તે લડાઈ તેઓ 1 વર્ષથી લડી રહ્યા હતા ત્યારે તેનો કોઈ નિકાલ નહિ આવતા આખરે તેઓ આમરણાત ઉપવાસ બેસી ગયા હતા. મંદિરના પુજારી જયદીપ દવે જ્યાં સુધી ઓર્ડર કેન્સલ ન થાય ત્યાં સુધી આમરણાત ઉપવાસ પર બેસી ગયા હતા. છેલ્લા સાત દિવસથી પુજારી આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. દરમિયાન આજે 8 વાગ્યે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેથી આજે વલસાડ ડીવાયએસપી, મામલતદાર, ધરમપુર પીઆઈએ પુજારી સાથે બેઠક કરી હતી.

પુજારીને સમજાવ્યા બાદ પારણા કર્યા

પોલીસ અને મામલતદારની પુજારી સાથે બેઠક કરી સમજાવવામાં આવ્યા હતા. પુજારીને સમજાવ્યા હતા કે, આગામી દિવસોમાં બેઠક કરવામાં આવશે. લોકહિતનું કામ હશે તે કરાવવામાં આવશે. ત્યારબાદ પુજારીએ પારણા કરવા તૈયારી દર્શાવી હતી. જેથી ડીવાયએસપીના હાથે પુજારી જયદીપ દવેએ મંદિરમાં જ પારણા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here