વેક્સિનેશન શરૂ થયા બાદ વડાપ્રધાને પહેલી વખત મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

0
7

દેશમાં ફરીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને ચર્ચા આરંભી હતી. છેલ્લા એક સપ્તાહથી દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં વેક્સિનેશનનું કામ પૂરઝડપે ચાલુ છે પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.

તાજેતરમાં કોરોના પ્રભાવિત રાજ્યોની મુલાકાત લેનારી ઉચ્ચ સ્તરીય સમિતિ રિપોર્ટ રજૂ કરવાની હોવાથી અને વેક્સિનેશન શરૂ થયા બાદ વડાપ્રધાન પહેલી વખત મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા હોવાથી આ બેઠક ખૂબ અગત્યની બની ગઈ છે. વડાપ્રધાને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં પોઝિટિવ રેટ ખૂબ વધી રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ કોરોનાની આ લહેર અહીં જ નહીં રોકી દેવામાં આવે તો દેશવ્યાપી અસર જોવા મળશે તેમ જણાવ્યું હતું.

ટેસ્ટિંગ વધારવું પડશે

વડાપ્રધાને કહ્યું કે, જનતાને પેનિક મોડમાં નથી લાવવાની કે ડરનો માહોલ નથી સર્જવાનો. આપણે જનતાને પરેશાનીમાંથી મુક્તિ અપાવવાની છે અને જૂના અનુભવોને ફરી ઉપયોગમાં લેવાના છે. ટેસ્ટ ટ્રેક અને ટ્રીટ ફરી ગંભીરતાથી લઈને ટેસ્ટિંગ વધારવું પડશે. RT-PCR ટેસ્ટની સંખ્યા 70 ટકાથી ઉપર લઈ જવી પડશે. કેરલ, યુપી, છત્તીસગઢમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવે છે તે ચિંતાનો વિષય છે.

રાજ્યો વેક્સિન વેસ્ટ ઘટાડે

વડાપ્રધાને વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા સાથે વેક્સિનનો વેસ્ટ ઘટાડવા કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, યુપીમાં વેક્સિન વેસ્ટનો આંકડો 10 ટકાએ પહોંચી ગયો છે જે અયોગ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here