રાજીવ ગાંધી હત્યાકાંડ : નલિની 27 વર્ષમાં બીજી વાર જેલની બહાર આવી, દીકરીના લગ્ન માટે મળી એક મહિનાની પેરોલ

0
10

ચેન્નાઈ: રાજીવ ગાંધી હત્યાકાંડમાં આજીવન કેદની સજા કાપી રહેલી એસ નલિની આજે એક મહિનાની પેરોલ પર વૈલ્લોર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી છે. નલિની રાજીવ ગાંધી હત્યા મામલે સાત દોષિતોમાં સામેલ છે. આ પહેલાં ગયા વર્ષે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તે એક દિવસ જેલની બહાર આવી હતી. નલિનીએ દીકરીના લગ્નની તૈયારી માટે 6 મહિનાના પેરોલ માંગ્યા હતા. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે 5 જુલાઈએ 30 દિવસના પેરોલની અરજી મંજૂર કરી છે. તેની દીકરી બ્રિટનમાં અભ્યાસ કરી રહી છે.

નલિનીએ છ મહિનાના પેરોલ માંગ્યા હતા
ગયા મહિને જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એમ નિર્મલ કુમારની બેન્ચે પેરોલ અરજી પર સુનાવણી કરી છે. તમિલનાડુ સરકારે કહ્યું છે કે, તેને એક સમયે મહત્તમ એક મહિનાની જ પેરોલ આપવી જોઈએ. નલિનીએ છ મહિનાની પેરોલ માંગી હતી. તેણે અરજીમાં કહ્યું હતું કે, લગ્નની તૈયારી માટે એક મહિનો પૂરતો નથી.

નલિનીને ઈન્ટરવ્યૂ આપવાની મંજૂરી નથી
કોર્ટે નલિનીને જેલમાં બહાર ગયા પછી કોઈ પણ સહી કરવાની કે કોઈ પણ નેતાને મળવાની મંજૂરી આપી નથી. આ ઉપરાંત તેને કોઈ જગ્યાએ ઈન્ટરવ્યૂ આપવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. તેને કડક સુરક્ષા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. 25 જૂને કોર્ટે નલિનીની અરજી પર સુનાવણીની મંજૂરી આપી હતી.

1991માં રાજીવ ગાંધીની હત્યા
નલિની વૈલ્લોરમાં 27 વર્ષથી જેલમાં બંધ છે. તેની દીકરીનો જન્મ પણ જેલમાં જ થયો હતો. તેની સાથે અન્ય છ કેદી પણ જેલમાં બંધ છે. તેનો પતિ મરુગન પણ દોષિતોમાં સામેલ છે. તમિલનાડુના શ્રીપેરમબુદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991માં લિટ્ટાના આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.

મોતની સજાને રાજ્ય સરકારે આજીવન કેદમાં ફેરવી
એપ્રિલમાં નલિનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, તેને તેની વાત રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે. નલિનીને રાજીવ ગાંધી હત્યાકાંડમાં મોતની સજા આપવામાં આવી હતી પરંતુ તમિલનાડુ સરકારે 24 એપ્રિલ 2000માં તેને આજીવન કેદમાં બદલી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here