રાજ્યમાં હાલ પશુઓમાં લમ્પી વાઇરસે કહેર મચાવ્યો છે. જેથી દિવસેને દિવસે અનેક ગૌવંશના મોત પણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા ગૌ માતા પોષણ યોજના તા.3 માર્ચ 2022ના બજેટમાં કાયમી સહાય મંજૂર કરવામાં આવી હતી. તે ગુજરાતની ગૌ શાળા અને પાંજરાપોળમા તમામ ગૌ વંશને દૈનિક રૂ.30 મળશે તેવું ગુજરાત સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે, આ યોજના હાલ વિલંબમાં પડી છે. ત્યારે ગૌ પોષણ યોજના તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે તેવી માગ સાથે જૂનાગઢના ગૌ શાળાના પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગૌ શાળાના પ્રતિનિધિઓ એ જણાવ્યું કે, ગૌ માતા અત્યારે ભયંકર, દુઃખી, ભૂખી અને લાચાર થઈને જીવી રહી છે. તે સૌના માટે દુઃખની બાબત છે. સરકાર દ્વારા જ્યારથી ગૌ વંશને સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારથી ગૌ પ્રેમીઓ અને બીજી સંસ્થાઓ દ્વારા ગૌ શાળામાં દાન આવતું બંધ થયું છે. સરકાર આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવી ગૌ વંશને જાહેર કરાયેલી સહાય વહેલી તકે પૂરી પાડવામાં આવે. તે બાબતે જૂનાગઢ જિલ્લાના દરેક ગામની ગૌ શાળાના પ્રતિનિધિ તરીકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજના જે એક ગૌવંશ દીઠ 30 રૂપિયા જાહેર કરવામાં આવ્યાં હતા. તે વહેલી તકે ફાળવવામાં આવે તેવી માગ છે.