રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી અટકે તે માટે નિવૃત્ત આર્મીમેન મદદે

0
13

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં આગામી 12મી માર્ચથી બીજા છ માસિક તબક્કાની પરીક્ષાઓ શરૂ થનારી છે ત્યારે રાજ્યમાં પ્રથમ વખત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા યુનિવર્સિટીના સત્તાધીશોએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને નિવૃત્ત આર્મીમેનને ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આવશે અને તેમને સેન્સિટિવ કેન્દ્ર પર તપાસની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની સત્તા પણ અપાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર ડો.વિજય દેશાણીએ આ અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 12મી માર્ચથી પરીક્ષાનો પ્રથમ તબક્કો શરૂ થશે. પ્રથમ તબક્કામાં કુલ 100 કોલેજમાં પરીક્ષા લેવામાં આવશે. કુલ પાંચ તબક્કામાં લેવામાં આવનારી યુ.જી. અને પી.જી.ની પરીક્ષાઓમાં 2.25 લાખથી વધુ પરીક્ષાર્થીઓ બેસશે.

આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા થતી ગેરરીતિ સંપૂર્ણપણે ડામવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને એ, બી અને સી એમ ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવી છે અને તેમાંથી સી ગ્રેડની એટલે કે પરીક્ષા ચોરી માટે કુખ્યાત કોલેજોમાં નિવૃત્ત આર્મીમેનને ઓબ્ઝર્વર તરીકે મુકવામાં આવશે અને તેમની સાથે એક અધ્યાપકને પણ ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આ‌વશે.જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતાં પકડાય તો આ નિવૃત્ત આર્મીમેનને પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ સત્તા અપાશે.

રાજ્યમાં આ પ્રથમ પ્રયોગ છે અને રાજકોટમાં આવેલા માજી સૈનિક મંડળ પાસેથી પ્રાથમિક તબક્કે 30 નિવૃત્ત આર્મીમેનની સેવા લેવામાં આ‌વશે. આ નિવૃત્ત આર્મીમેનને પરીક્ષાની આખી સિસ્ટમથી વાકેફ કરાશે. તેઓ કોલેજમાં લેવાતી પરીક્ષાની એક-એક સિસ્ટમ સમજે તે માટે તાલીમ અપાશે.

એ ગ્રેડની કોલેજમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોને ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવી છે જેમાં એ ગ્રેડની એટલે કે કણસાગરા મહિલા કોલેજ જેવી કોલેજોમાં ઓબ્ઝર્વર દ્વારા અઠવાડિયામાં કોઇપણ એક દિવસ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે, જ્યારે બી ગ્રેડની કોલેજમાં અઠવાડિયામાં ત્રણ દિવસ રેન્ડમલી ઓબ્ઝર્વર મોકલાશે. તેમજ સી ગ્રેડની એટલે કે બેફામ ગેરરીતિ માટે કુખ્યાત કોલેજોમાં દરરોજ ઓબ્ઝર્વર મોકલાશે.જો આ કોલેજમાં વિદ્યાર્થી ચોરી કરતા પકડાશે તો નિવૃત આર્મીમેન પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ સત્તા આપવામાં આવી છે.

ઓબ્ઝર્વર જેટલું જ મહેનતાણું અપાશે

નિવૃત્ત આર્મીમેનને દરેક પરીક્ષામાં ઓબ્ઝર્વર જેટલું જ મહેનતાણું આપવામાં આવશે અને બહારગામનું કેન્દ્ર હશે તો ત્યાં જવા માટે ટેક્સી પણ પ્રોવાઇડ કરાશે. રાજકોટમાં આ‌વેલી માજી સૈનિક મંડળ પાસેથી પ્રાથમિક તબ્બકે 30 નિવૃત આર્મીમેનની સેવા લેવામાં આવશે.પરિક્ષાની કાર્યવાહી અંગે સેવામાં આવેલા આર્મીમેનને દરેક જાણકારીથી વાકેફ કરવામાં આ‌વશે.