લેપટોપ કરતાં મોબાઈલથી આંખો ખરાબ થવાનું જોખમ ડબલ છે, આંખોમાં ખંજવાળ કે માથાના દુખાવાથી બચવા એક્સપર્ટની આટલી વાતોનું ધ્યાન રાખો

0
20

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હાલ ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. કલાકો સુધી ચાલનારા ઓનલાઈન ક્લાસિસ દરમિયાન નાની એવી બેદરકારી આંખોમાં ખંજવાળ, લાલાશ, ડ્રાયનેસ અને માથાના દુખાવા જેવી સમસ્યા સર્જે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લાંબા સમય સુધી આવી સ્થિતિ રહી તો માયોપિયા થઈ શકે છે. જો તમે પણ ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેનાથી દૃષ્ટિ પર અસર ન થવી જોઈએ અને માથાના દુખાવાનો કારણે ચીડિયાપણું રોકવું જોઈએ. પેરેન્ટ્સે આ બાબતે બાળકોનું ધ્યાન રાખવાનું છે, જો આવા કોઈ પણ લક્ષણ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

બંસલ હોસ્પિટલની આઈ અને ગ્લૂકોમા સ્પેશલિસ્ટ ડૉ. વિનીતા રામનાની પાસેથી જાણો આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય છે…

એ સવાલો જે તમને અલર્ટ રાખશે

લેપટોપની સરખામણીએ મોબાઈલ વધારે જોખમકારક શા માટે?

પ્રથમ કારણ: લેપટોપની સરખામણીએ મોબાઈલ ફોન આંખોની નજીક હોય છે તેથી વધારે નુકસાન કરે છે.

બીજું કારણ: મોબાઈલની સ્ક્રીન નાની હોવાથી આંખો ખેંચાય છે. મોબાઈલમાંથી આવતો વાદળી પ્રકાશ આંખની નજદીક હોવાથી વધારે નુક્સાન કરે છે.

ત્રીજું કારણ: મોટા ભાગના ઘરોમાં લેપટોપ 1 અથવા 2 જ હોય છે, તેથી તે વધારે લોકોમાં વહેંચાય છે, પરંતુ મોબાઈલ ફોન દરેક પાસે હોય છે. તેથી તેનો ઉપયોગ વધારે થાય છે.

સતત ગેજેટના પ્રયોગ કરતાં સમયે વ્યક્તિ આંખો પટપટાવવાનું ભૂલી જાય છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. તેને લીધે જ આંખોમાં ડ્રાયનેસ આવે છે. ધ્યાન ન રાખવામાં આવે તો ધીરે ધીરે અન્ય લક્ષણો પણ દેખાવાના શરૂ થાય છે. ગેજેટનો જેટલા કલાકો સુધી વધારે ઉપયોગ કરશો તેટલી ખરાબ અસર થશે.

કયા લક્ષણો જણાતા અલર્ટ થશો?

આંખોમાં સ્ટ્રેસ, ખંજવાળ, થાક, લાલાશ, પાણી આવવું, ધૂંધળુ દેખાવું જેવી સમસ્યા થાય તો અલર્ટ થઈ જાઓ. આ તમામ લક્ષણો ડિજિટલ આઈ સ્ટ્રેનના છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે છે તો માથાનો દુખાવો, ઊલટી અને ચિડિયાપણું જેવી સમસ્યા સર્જાય છે.

કેટલાક લોકોમાં ચક્કર આવવા સાથે આંખોના ફોકસમાં તકલીફ પડવી, એક જ વસ્તુના 2 પ્રતિબિંબ દેખાવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. ઘણી વખત કશું સમજાતું નથી દિવસની શરૂઆતમાં બધુ સામાન્ય જણાઈ આવે છે. દિવસમાં ઓનલાઈન ક્લાસિસ સમયે મગજ ડાયવર્ટ રહે છે, પરંતુ સાંજ પડતાં જ તેની અસર દેખાવા લાગે છે.

આંખો પર પડતી ખરાબ અસર કેવી રીતે ઓળખવી?

ડિજિટલ ગેજેટ્સમાંથી રિલીઝ થતા કિરણોથી આંખોમાં ડ્રાયનેસ આવે છે અને પછી માંસપેશીઓ પર દબાણ આવે છે. લાંબા સમય સુધી આવું રહે તો આંખો નબળી થઇ જાય છે. તેનાથી દૂરની નજર ખરાબ થઇ જવાનું જોખમ વધારે રહે છે, તેને માયોપિયા કહેવાય છે. આવી સ્થિતિ રહે તો ચશ્માં આવી શકે છે અને જેને ચશ્માં હોય તેમના નંબર વધી શકે છે.

હાલમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે, જો બાળકોમાં ગેજેટનો ઉપયોગ વધતો જશે તો 2050 સુધી 50 ટકા બાળકોને ચશ્માં આવી જશે.

સતત ઓનલાઈન ક્લાસ ન હોય તો આંખોનું ધ્યાન કેવી રીતે રાખવું?

જો ઓનલાઈન ક્લાસ નથી અને મોબાઈલથી સ્ટડી કરી રહ્યા છો તો આંખોથી દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ સુધી જુઓ. એ પછી ફરીથી અભ્યાસ શરુ કરી શકો છો. આંખ દિવસમાં 4-5 વખત પાણીથી ધુઓ.

ગેજેટ્સથી કેટલું અંતર હોવું જોઈએ?

  • લેપટોપની સ્ક્રીન અને આંખો વચ્ચે ઓછામાં ઓછું 26 ઇંચનું અંતર હોવું જોઈએ.
  • મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો તો આ અંતર 14 ઇંચનું હોવું જોઈએ. જો કે, આ અંતર હાથની લંબાઈ પર પણ આધાર રાખે છે.
  • સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખો, જેથી આંખોને તકલીફ ના થાય.
  • સ્ક્રીન પર એન્ટિગ્લેર ગ્લાસ લગાવવો કે પોતે એન્ટિગ્લેરના ચશ્માં પહેરવા.
  • સ્ક્રીન પર દેખાતા અક્ષરોને સામાન્ય રીતે વાંચવામાં આવતા અક્ષરો કરતાં ત્રણ ગણા મોટા રાખો.

વીડિયો ગેમમાં વ્યસ્ત રહેતા બાળકો પર અસર

મોટાભાગના બાળકો પેરેન્ટ્સની બીકે રાતે લાઈટ બંધ રાખીને મોબાઈલ કે બીજા ગેજેટ પર વીડિયો ગેમ રમે છે. આ સૌથી જોખમી સ્થિતિ છે કારણ કે રૂમમાં અંધારું હોવાથી ગેજેટમાંથી નીકળતો પ્રકાશ સીધો આંખ પર પડે છે. તેને લીધે રાતે ઊંઘ ન આવે, સવારે વહેલા ઉઠવાને લીધે શરીર ભારે લાગે અને માથાના દુખાવા જેવા લક્ષણો વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here