ગણેશોત્સવ : વડોદરા : રાજમહેલમાં રાજવી પરિવારે શ્રીજીની સ્થાપના કરી, 80 વર્ષથી એક જ પરિવાર મૂર્તિ તૈયાર કરે છે

0
0

કોરોનાની મહામારી વચ્ચે આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલમાં આજે રાજવી પરિવાર દ્વારા ગણપતિ સ્થાપના કરી હતી. શ્રીજીને પરંપરાગત રીતે શરણાઇના સૂર અને ભજન-કિર્તન અને ગણપતિ બાપા મોરયા..ના ગગનભેદી જયઘોષ સાથે પાલખીમાં રાજમહેલમાં લઇ જવાયા હતા. જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ સહિત પરિવારજનોએ ખાસ તકેદારી સાથે શ્રીજીની સ્થાપના કરી હતી. છેલ્લા 80 વર્ષથી એક જ પરિવાર રાજવી પરિવાર માટે ગણપતિની મૂર્તિ બનાવે છે.

80 વર્ષથી ચવ્હાણ પરિવાર રાજમહેલની મૂર્તિ બનાવે છે

વડોદરાના રાજમહેલમાં બિરાજમાન થતાં શ્રીજીની મૂર્તિ છેલ્લા 80 વર્ષથી વડોદરાના જાણીતા મૂર્તિકાર ચવ્હાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. રાજમહેલના ગણપતિની મૂર્તિ બનાવવા માટે વડોદરા સ્ટેટના મૂર્તિકારોની હરીફાઇ યોજાઇ હતી. મૂર્તિની પસંદગી માટે કાશીના પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. કાશ્મિરી પંડિતોએ રાજવી દરબારમાં આર્ટિસ્ટ તરીકેનું સ્થાન મેળવનાર મુર્તિકાર સ્વ. કૃષ્ણરાવ ચવ્હાણ દ્વારા બનાવામાં આવેલી મૂર્તિ પસંદ કરવામાં આવી હતી.

વડોદરાના રાજમહેલમાં શ્રીજી
(વડોદરાના રાજમહેલમાં શ્રીજી)

 

અમારો પરિવાર 1940થી રાજમહેલના ગણપતિની મૂર્તિ બનાવે છે

વર્ષ-1940થી રાજમહેલના ગણપતિની મૂર્તિ બનાવતા ચવ્હાણ પરિવારના મૂર્તિકાર માનસિંહ ચવ્હાણે જણાવ્યું હતું કે, હું મારા ભાઇ લાલસિંહ, પ્રદિપસિંહ રાજમહેલની મૂર્તી બનાવીએ છે. આ અમારી બીજી પેઢી છે. અમારી ત્રીજી પેઢીનો મારો પુત્ર મંગેશ પણ રાજમહેલની મૂર્તિ બનાવવામાં મદદરૂપ થાય છે.

મૂર્તિઓ બનાવવા માટેની માટી ભાવનગરથી લાવીએ છીએ

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અક્ષય તૃતિયાના દિવસે રાજમહેલમાંથી શુભ ચોઘડીયામાં શ્રીજીની મૂર્તિ બનાવવા માટેનો પાટલો અમારી ત્યાં મૂકી જવામાં આવે છે. અમે પણ તે જ દિવસથી રાજમહેલના શ્રીજીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરવા સાથે શ્રીજીની અન્ય મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરીએ છીએ. મૂર્તિઓ બનાવવા માટેની માટી ભાવનગરથી લાવીએ છીએ. રાજવીઓ દ્વારા વર્ષ-1939 સુધી પેલેસમાં ચંદ્રાસુરનો વધ કરતા શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હતી. પરંતુ તે જ વર્ષે સર સયાજીરાવ ગાયકવાડે ગણપતિની મૂર્તિનો આકાર બદલવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન સર સયાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું.

રાજમહેલમાં શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવી
(રાજમહેલમાં શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવી)

 

1936માં રાજદરબારના આર્ટિસ્ટ સ્વ. કૃષ્ણરાવ ચવ્હાણે બનાવેલી મૂર્તી પસંદ થઇ હતી

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, સર સયાજીરાવ ગાયકવાડના નિધન બાદ ગાદી ઉપર આવેલા મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે મૂર્તિ નક્કી કરવા માટે રાજવી સ્ટેટના મૂર્તિકારોની હરીફાઇનું આયોજન કર્યું હતું. જેમાં જજ તરીકે કાશિના પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. મૂર્તિકારોએ તૈયાર કરેલી મુર્તિઓ એકરૂમમાં મૂકવામાં આવી હતી. કાશિના પંડિતોએ જે રૂમમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી. તે મૂર્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં કાશીના પંડિતોએ વર્ષ-1936માં રાજદરબારમાં આર્ટિસ્ટ તરીકેનો દરજ્જો મેળવનાર મારા પિતા સ્વ. કૃષ્ણરાવ ચવ્હાણે બનાવેલી મૂર્તી પસંદ કરી હતી. જે પસંદ થયેલી મૂર્તિ પ્રમાણે જ આજે પણ બનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here