રાજકોટ : રેશનિંગનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું : 2350 કિલો ચોખાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ.

0
9

રાજકોટમાં રેશનિંગનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. રેશનિંગના ચોખાના 47 બારદાન વાહનમાં ભરી બારોબાર લઈને જતા રવિ ધોળકિયા નામના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ઝડપાયેલા રવિએ શહેરના રામનાથપરામાં આવેલી સસ્તા અનાજની દુકાનેથી જથ્થો ભર્યો હોવાની કબૂલાત આપી હતી. તેમજ આરોપી 47 બારદાનમાં 2350 કિલો ચોખાનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડમાં ઠાલવવા જઈ રહ્યો હતો.

સરકારી બારદાનમાંથી ચોખા સફેદ પ્લાસ્ટિકના કોથળામાં ભરી લઈ જવાતા હતા

પોલીસ અને પુરવઠા વિભાગ કોથળા ઓળખી શકે નહીં તે માટે આરોપીએ સરકારી બારદાનમાંથી ચોખા સફેદ કલરની પ્લાસ્ટિકના કોથળામાં ભર્યા હતા. આ કૌભાંડમાં દિનેશભાઈ નીચાણી અને સસ્તા અનાજની દુકાન ચલાવતા જાહિદ વીરાણીના નામ ખૂલ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેશનકાર્ડ ધારકોને સસ્તામાં અનાજ વિતરણ કરવાનું હોય તેના બદલે પોતાના આર્થિક લાભ માટે વેચાણ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આગળની કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે.

આરોપી બે મહિનાથી દિનેશ નીચાણીની બોલેરો પીકઅપ ચલાવતો હતો

પકડાયેલા રવિએ કબૂલાત આપી હતી કે, તે છેલ્લા બે મહિનાથી દિનેશભાઈ નીચાણીની બોલેરો પીકઅપ ચલાવે છે. દિનેશભાઈએ ગઈકાલે રામનાથપરા શેરી નં.1, હાથિખાના પાસે આવેલી બદરૂદ્દીન વીરાણીના પંડિત દીન દયાલ ગ્રાહક ભંડારમાંથી ચોખા ભરવા જણાવ્યું હતું. દુકાનમાં જાહિદ વીરાણી હાજર હોય તેણે સરકારી ચોખાના જથ્થાના બારદાન બદલી સફેદ પ્લાસ્ટિકના કટામાં ચોખા ભરી આપ્યા હતા. બાદમાં દિનેશભાઈએ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ચોખા લઈ જવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here