અમદાવાદ : સરકારી અનાજના જથ્થાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું, સેક્ટર 2 જેસીપીની ટીમે ત્રણ શખ્સની ધરપકડ કરી

0
9

શાહીબાગ વિસ્તારના ગરીબ રેશનકાર્ડધારકોને આપવાના સરકારી ઘઉં અને ચોખાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સેક્ટર 2 જેસીપી સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. શાહીબાગ સરકારી અનાજના ગોડાઉનમાંથી 16000 કિલો ઘઉં અને ચોખા ભરી નરોડા જીઆઇડીસી ફેઝ 3માં આવેલા ગોડાઉનમાં લાવી માલ સગેવગે કરવાના હતા. પોલીસે મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

નરોડા GIDCની એક કંપનીની બાજુમાં અનાજ લઈ જવાયું હતું

સેક્ટર 2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસી ફેઝ 3માં મૂડસોનિક કંપનીની બાજુના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેથી PSI વી.એન .હરકટ અને ટીમે નરોડા જીઆઇડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતાં સરકારી રેશનિંગના આશરે 16 હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક મળી આવી હતી. ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર (રહે. મેઘાણીનગર), ટ્રક માલિક મદનલાલ તૈલી (રહે. નરોડા ) અને ગોડાઉન માલિક મહેશ નાથાણી (રહે. કુબેરનગર) મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા શાહીબાગ ઘોડાકેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો

પોલીસ પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરી

ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. પોલીસે આ બાબતે પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જથ્થો ગીતાબેનના દુકાને લાવવાનો હતો પરંતુ દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હતું. પોલીસ અને પુરવઠા વિભાગે સમગ્ર જથ્થો સીઝ કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દુકાન માલિક અને વહીવટદારની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here